Charotar

પેટલાદના વડદલા પાસે ગમખ્વાર અકસ્માતમાં ત્રણનાં મોત

લક્ઝરીએ ટ્રકને ટક્કર મારતાં સર્જાયો અકસ્માત

(પ્રતિનિધિ) પેટલાદ,તા.28

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતો રાજ્ય ધોરી માર્ગ બગોદરા – વાસદ સીક્સલેન આવેલ છે. આ સીકસલેન હાઈ-વે પેટલાદ તાલુકાના ધર્મજ ચોકડી પાસેથી પસાર થાય છે. આ ધર્મજ ચોકડીથી નજીક વડદલા બ્રીજ પાસે ગત મધરાતે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તારાપુર ચોકડી તરફથી આવતી એક ટ્રકની ઓવરટેક કરવા જતાં લક્ઝરી ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટના સ્થળે જ ત્રણનાં મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણેક ઘાયલોને પેટલાદ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગેનો ગુનો પેટલાદ રૂરલ પોલીસે નોંધી આગળની કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ વાસદ – બગોદરા સીક્સલેન હાઈ-વે આશરે સો કિમીનો છે. આ હાઈ-વે ઉપર તારાપુર ચોકડીથી ધર્મજ ચોકડી સુધીનો રાજમાર્ગ અકસ્માત ઝોન કહેવાય છે. આ રાજ્ય ધોરીમાર્ગ ઉપર અવાર નવાર થતા અકસ્માતોમાં અસંખ્યો લોકોએ જીવ ગુમાવ્યા છે. આવી જ એક ઘટના ગતરાત્રીએ વડદલા બ્રીજ પાસે બનવા પામી છે. તારાપુર ચોકડી તરફથી બેંટોનાઈટ પાવડરની બેગ્સ ભરેલ રાજેશ્વરી રોડ લાઈન્સ ભાવનગરની ટ્રક નં. GJ 4X 6246 ધર્મજ ચોકડી તરફ રાત્રીના ત્રણેક વાગ્યે આવી રહી હતી. હાઈ-વેની ડાબી બાજુ ચાલતી ટ્રકને વડદલા બ્રીજ પાસે ખોડીયાર ટ્રાવેલ્સ લક્ઝરી  નં. MP 45ZF 7295 ધડાકાભેર અથડાઈ હતી. અચાનક લક્ઝરી અથડાતાં અંદર બેઠેલ મુસાફરોએ ચીસાચીસ કરી મૂકી હતી. જેને કારણે આજુબાજુ રહેતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં જોતા લક્ઝરી બસની ડાબી બાજુની ભાગના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. જેમાં ઘટના સ્થળે જ ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યાં હતાં. આ ગમખ્વાર અકસ્માતમાં ઘાયલોને સારવાર માટે ૧૦૮ દ્વારા પેટલાદ સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતકોને પોસ્ટ મોર્ટમ માટે પેટલાદ સિવીલ ખાતે જ લઈ જવામાં આવ્યા હતા. આ અંગે ટ્રકના ડ્રાઈવર ઘનશ્યામભાઈ અમરસિંહ ઝાલા (રહે.ગાજણા, બોરસદ)ની ફરીયાદના આધારે લક્ઝરીના ડ્રાયવર સોહિલ યાસીનમીયાં મલેક (રહે.લીલીયા, જી.અમરેલી) વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

મૃતકો

– ધ્રુવ ભીમજીભાઈ રૂડાણી – ઉ.વ.૩૨, રહે. ભરૂચ

– મનસુખભાઈ રૂડાભાઈ કોરાટ – ઉ.વ.૬૭, રહે. રાજકોટ

– કલ્પેશભાઈ વેલજીભાઈ જીયાણી – ઉ.વ.૩૯, રહે. રાજકોટ

Most Popular

To Top