Charotar

પેટલાદના વડદલા ગામમાં તસ્કરો 31 હજારની મતા લૂંટ….

ઘરનો ઝાપો કુદી ઘુસેલા ત્રણ શખ્સોએ વૃદ્ધાને ડરાવી લૂંટ ચલાવી …

પેટલાદના વડદલા ગામમાં ત્રણ શખ્સે મહિલાના ઘરમાં ઘુસી દાગીના, મોબાઇલ સહિત 31 હજારની મતાની લૂંટ ચલાવતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પેટલાદના વડદલા ગામમાં રહેતા શાંતાબહેન રમણભાઇ ઠાકોર (ઉ.વ.60) એકલવાયું જીવન જીવે છે. શાંતાબહેન 28મી જુલાઇ2024ના રોજ રાત્રિના નવેક વાગે જમી પરવારી ઘરની ઓસરીમાં સુઇ ગયાં હતાં. રાત્રિના આશરે એક વાગ્યાની આસપાસ તેઓ જાગી પશુને ઘાસ નાંખીને પરત ખાટલામાં આડા પડ્યાં હતાં. દરમિયાન બે વાગ્યાની આસપાસ ઘરની આગળનો ઝાપો કુદી ત્રણેક અજાણ્યા શખ્સો ધસી આવયાં હતાં. જે પૈકી એક શખ્સે ખાટલા પર બેસી ઘરની ચાવી માંગી હતી. જે ચાવી બતાવતા બે શખ્સ ઘરનું તાળુ ખોલી ઘરમાં ગયાં હતાં. જ્યારે ખાટલા પર બેઠેલા શખ્સે માર મારવાની બીક બતાવી કાનમાં પહેરેલા સોનાના કાપ કિંમત રૂ.20 હજાર કાઢી લીધાં હતાં. આ ઉપરાંત બન્ને પગે પહેરેલ ચાંદીના છડા કિંમત રૂ.10 હજાર કાઢી લીધાં હતાં. આ ઉપરાંત મોબાઇલ મળી કુલ રૂ.31 હજારની મતા લૂંટી લીધી હતી. બાદમાં ત્રણેય ભાગી ગયાં હતાં. થોડા સમય બાદ સ્વસ્થ થઇ શાંતાબહેને બાજુમાં રહેતાં તેમના દેરાણી, ભત્રીજાને બોલાવી ચોર આવ્યાં હોવાની હકિકત જણાવી હતી. આથી, ત્રણેય જણાએ ઘરમાં તપાસ કરતાં અંદરનો સામાન વેર વિખેર પડ્યો હતો. જોકે, તેમાંથી કોઇ ચોરી થયો નહતો. પરંતુ શાંતાબહેને પહેરેલા દાગીના અને મોબાઇલની લૂંટ ચલાવી હતી. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top