Charotar

પેટલાદના બંધ મકાનમાંથી પોણા લાખની ઘરવખરી ચોરાઇ

રેલવેના નિવૃત્ત કર્મચારીના ઘરમાં ત્રાટકેલા તસ્કરો તાંબા – પિત્તળના વાસણ, ફ્રિજ, ખુરશી તેમજ સ્ટીલના વાસણો લઇ ગયા

(પ્રતિનિધિ) પેટલાદ તા.11

પેટલાદના લીંબાકુઇ વિસ્તારમાં ત્રાટકેલા તસ્કરોએ રેલવેના નિવૃત્ત કર્મચારીના બંધ ઘરમાં ઘુસી તાંબા – પિત્તળના વાસણ, ફ્રિજ, ખુરશી, ઘર વખરીના રસોડાના સ્ટીલની વાસણો આશરે કિંમત રૂ.87 હજારની ચીજ વસ્તુઓની ચોરી કરી હતી. આ અંગે પેટલાદ શહેર પોલીસે ગુનો નોંધ્યો હતો.

પેટલાદના લીંબાકુઇમાં રહેતા પ્રવિણકુમાર રમણલાલ મોદી વેસ્ટર્ન રેલવેમાંથી નિવૃત્ત જીવન ગુજારે છે અને હાલ વડોદરામાં સ્થાયી થયાં છે. પ્રવિણકુમાર અને તેમના પરિવારજનો વાર – તહેવારે લીંબાકુઇ આવતા જતાં રહે છે. આ મકાન આશરે ત્રણેક મહિનાથી બંધ હાલતમાં હતું. દરમિયાનમાં 26મી ઓગષ્ટના રોજ સવારના દસેક વાગે ભારે વરસાદના પગલે પ્રવિણકુમારે લીંબાકુઇ ખાતે પડોશમાં રહેતા મયુરભાઈ પંડ્યાને ફોન કરી મકાન તપાસ કરવા જણાવ્યું હતું. આ સમયે ઘરને તાળુ મારેલું હતું. બાદમાં 8મી સપ્ટેમ્બર,2024ના રોજ મયુરભાઈએ કોલ કરી જણાવ્યું કે, મકાનનું તાળુ તુટેલી હાલતમાં છે. સામાન વેરવિખેર પડ્યો છે. આથી, બીજા દિવસે પ્રવિણકુમાર લીંબાકુઇ પહોંચ્યાં હતાં.  આ સમયે દરવાજો ખુલ્લો હતો અને ઘરમાં તપાસ કરતાં તાંબાના ચાર પવાલા સહિત તાંબાના વાસણ, જર્મન, પિત્તળની થાળી, વાટકા, ફ્રિજ સહિત ઘર વખરીના રસોડાના સ્ટીલના વાસણો મળી કુલ રૂ.87,200ની ચોરી થઇ હતી. આ અંગે પ્રવિણકુમાર મોદીએ પેટલાદ શહેર પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તસ્કરોમાં બે કે તેથી વધુ અને વાહન લઇ આવ્યાની શંકા

પેટલાદના લીંબાકુઇ વિસ્તારમાં ત્રાટકેલા તસ્કરો કોઇ વાહન લઇને આવ્યાં હોવાની શંકા પોલીસને ઉપજી છે. આ ઉપરાંત તેઓ બે કે તેથી વધુ હોવાની પણ શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. હાલ આ અંગે પોલીસે સીસીટીવી ફુટેજ તપાસવાના શરૂ કર્યાં છે.

Most Popular

To Top