Vadodara

પૂ. મહંત સ્વામીએ સર્વેશ્વર મહાદેવની પ્રતિમા તેમજ શિવજી કી સવારીની પ્રતિકૃતિનું પૂજન-અર્ચન કર્યું

મહાશિવરાત્રી પર્વે અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરમાં બ્રાહ્મ મુહૂર્તે શિવપૂજન

વડોદરા :
આજે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિર, અટલાદરા ખાતે વહેલી સવારે બ્રાહ્મ મુહૂર્તમાં ધાર્મિક આસ્થા અને ભક્તિભાવના સાથે વિશેષ શિવપૂજન યોજાયું હતું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પ્રાતઃ પૂજા દરમિયાન 24 વર્ષ અગાઉ સુરસાગર મધ્યે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રતિષ્ઠિત કરાયેલી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા તેમજ શિવજી કી સવારીની પ્રતિકૃતિનું વિધિવત પૂજન-અર્ચન કર્યું હતું.

આ પાવન પ્રસંગે હજારો ભાવિક ભક્તોની ઉપસ્થિતિ રહી હતી. ભક્તોએ “ઓમ નમઃ શિવાય”ના જાપ સાથે ભગવાન શિવની આરાધના કરી આધ્યાત્મિક આનંદ અનુભવ્યો હતો. મંદિર પરિસરમાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ઉઠ્યું હતું.
આ પ્રસંગે સત્યમ શિવમ સુન્દરમ સમિતિના પ્રતિનિધિ નિલેશ શુકલ અને મુકેશ દીક્ષિત પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહાશિવરાત્રીના મહત્વ વિશે જણાવ્યું હતું કે આ પર્વ આત્મશુદ્ધિ, સાધના અને ઈશ્વર આરાધનાનો ઉત્તમ અવસર છે.

ઉલ્લેખનીય છે કે ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત શિક્ષાપત્રી તેમજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રચિત “સત્સંગ દીક્ષા” ગ્રંથમાં મહા વદ તેરસના દિવસે ભગવાન શિવજીની પૂજા કરવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર BAPS સંસ્થાના દરેક મંદિરમાં દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે શંકર ભગવાનનું પૂજન વિધિવત રીતે કરવામાં આવે છે. આ રીતે અટલાદરા મંદિર ખાતે મહાશિવરાત્રીનું પર્વ શ્રદ્ધા, શાંતિ અને આધ્યાત્મિક ઉત્સાહ સાથે ઉજવાયું હતું.

Most Popular

To Top