Vadodara

પૂર વખતે ભાજપના કાર્યકર્તા જ બહાર નીકળ્યા હતા, કોંગ્રેસની જૂઠાણાંની રાજનીતિ: વિજય શાહ

મેયર ગેરહાજર, સાંસદ પહોંચ્યા મોડા

પૂરની પરિસ્થિતિમાં કરેલા કામોની માહિતી આપવા ભાજપ વડોદરા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન

પ્રતિનિધિ વડોદરા તા. 12
વડોદરા શહેરમાં આવેલ પૂર બાદ પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા કરવામાં આવેલા કામોની માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન શહેર કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના પ્રમુખ ડૉ. વિજય શાહ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, વડોદરા લોકસભા સાંસદ ડૉ. હેમાંગ જોશી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રી સહિત ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મેયર પિંકી સોની ગેરહાજર હતા.

ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર પ્રમુખ ડૉ. વિજય શાહ દ્વારા સંબોધન કરતા જણાવાયુ હતું કે શહેરમાં પૂરની પરિસ્થિતિ દરમિયાન નાગરિકો ઘણા લાચાર બન્યા હતા અને તેવામાં ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ, નગરસેવકો, ધારાસભ્ય સહિતના હોદ્દેદારો દ્વારા લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો. જે વિસ્તારોમાં ન પહોંચી શકાયું હતું તે વિસ્તારોમાં પૂરના પાણી ઓછા થયા બાદ પણ ભારતીય જનતા પાર્ટી મદદ માટે પહોંચી હતી. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પૂરની પરિસ્થિતિ દરમિયાન ત્રણ દિવસ સુધી પ્રભાવિત વિસ્તારોમાં 40 હજારથી વધુ દૂધની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરની સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ દ્વારા પૂરની વિકટ સ્થિતિમાં લોકો સુધી સૂકો નાસ્તો, જમવાનું વગેરે વસ્તુઓ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી.

ભાજપ શહેર પ્રમુખનું અભય વચન- પૂર માટે જવાબદાર દબાણો તોડી પાડવામાં આવશે

વિજય શાહે વધુમાં કીધું હતું કે કોંગ્રેસ જુઠાણું ફેલાવી રાજનીતિ કરે છે. ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ રાષ્ટ્રીય પાર્ટી પૂરગ્રસ્ત વિસ્તારમાં મદદ કરવા પહોંચી નહોતી. જે જે પાર્ટી ના લોકો પોતે ઘરની બહાર નથી નીકળ્યા એ લોકો જન આક્રોશ રેલી કાઢી રહયા છે. તેઓને તો એય નહીં ખબર હોય કે વડોદરા આસપાસ કેટલી નદી છે અને વડોદરામાં ક્યાં વિસ્તારમાં મદદની જરૂર હતી.
પૂરની પરિસ્થિતિ વચ્ચે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વડોદરા શહેર તાત્કાલિક દોડી આવ્યા હતા. પૂરની સ્થિતિનું અવલોકન કરવા માટે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પોતે વડોદરા આવ્યા હતા અને તેનો રિપોર્ટ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પહોંચ્યા બાદ તેઓ દ્વારા પણ વડોદરાની મુલાકાત લેવામાં આવી હતી.
વડોદરા લોકસભા સાંસદ ડૉ. હેમાંગ જોશી દ્વારા વાયનાડની પરિસ્થિતિ બાબતે માહિતી આપી હતી કે કયા પ્રકારે સંસદમાં આ બાબતે ઘણી ચર્ચા થઈ હતી.
ગુજરાત વિધાનસભાના દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુકલ દ્વારા જણાવવામાં આવ્યું હતું વડોદરા પુર બાદ ૧.૫ લાખ લોકો સુધી સહાય અને મદદ પોહચડવામાં આવી છે . મુખ્ય મંત્રી એ જે સહાય જાહેર કરી છે એના સિવાય પણ જરૂર પડશે તો એ સહાય વધારવા માટે પણ કહ્યું છે. વિશ્વમિત્રી માટે 2021થી અત્યાર સુધી સર્વે ચાલુજ હતો અને 1200 કરોડ ની જગ્યા એ વિશ્વામિત્રી નદી માટે 2000 કરોડની જરૂર પડશે તો પણ સરકાર સહાય કરશે. હવે પછી ક્યારેય હાલની પુર સ્થતિ જેવી પરિસ્થિતિ ના સર્જાય માટે સરકાર અનેક પ્રોજેક્ટ હાથ ધરી રહી છે. નાના વેપારી, મોટા વેપારી , જે લોકોએ ઘરવખરી અને વાહનોને નુકશાન સહ્યું છે એ લોકો ને વધારેમાં વધારે સહાય મળી રહે એ હેતુથી પણ કામ ચાલુ છે. વીમો ન હોય એને પણ સરકારની સહાય મળશે માત્ર નુકશાન થયું હોય એના ફોટા કે વિડિયોની જરૂર પડશે..વધારે કોઈ ડોક્યુમેન્ટ ની પણ જરૂર નહિ પડે. સિમ્પલ પ્રોસેસ છે. આવનારા સમય માં વડોદરા જલ્દી થી બેઠું થાય એના પ્રયત્નો અમે હાથ ધર્યા છે. સદસ્યતા અભિયાન બાબતે પ્રશ્ન પૂછતા પ્રમુખ ડૉ વિજય શાહે જણાવેલું કે આ આઠ દિવસમાં ગયા વર્ષ કરતા પણ સારો પ્રતિસાદ લોકો તરફ થી મળ્યો છે. ગયા વર્ષ એક લાખ ચાલીસ હજાર લોકો સદસ્યતા ભાગ લઈ ભાજપ માં જોડાયા હતા અને હાલ પુર બાદ છેલ્લા એક અઠવાડિયામાં લગભગ સિત્તેર હજાર લોકો એ સદસ્યતા લીધી છે. આનાથી આકલન કરી શકાય કે લોકો mને 1995 થી ભારતીય જનતા પાર્ટી પર ભરોસો છે અને રહેશે.

Most Popular

To Top