Vadodara

પૂર ભૂલાયું? વિશ્વામિત્રીના પટમાં દબાણ સામે ‘નો-એક્શન’


સરકારના આદેશ, કમિટીના રિપોર્ટ છતાં કાર્યવાહી શૂન્ય; ચેતક બ્રિજ પાસે નવા દબાણોથી જોખમમાં વધારો

વડોદરા ; શહેરમાંથી પસાર થતી અને છેલ્લાં પૂર વખતે વિનાશ વેરનારી વિશ્વામિત્રી નદી પરના દબાણો સામે તંત્રની ઢીલી નીતિને કારણે સ્થિતિ ગંભીર બની રહી છે. ગત વર્ષે આવેલા ભયાનક પૂર બાદ રાજ્ય સરકારે ભવિષ્યમાં પૂર નિયંત્રણ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને આયોજન કરવાની સ્પષ્ટ સૂચના આપી હતી. આના પગલે ‘નવલાવાલા કમિટી’ ની રચના પણ કરવામાં આવી, જેની સૂચનાઓ મુજબ કામગીરી થવાની હતી. જોકે, આ તમામ આયોજનો છતાં, આજે પણ નદીના પટમાં દબાણો યથાવત્ રહેતા વડોદરાવાસીઓ પર પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે.
પૂરની ઘટના બાદ પાલિકા દ્વારા તાત્કાલિક કેટલાક દબાણોની ઓળખ કરીને તેને તોડી પાડવામાં આવ્યા હતા. પરંતુ, સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે પણ નદીના કિનારે અનેક સ્થળોએ મોટા દબાણોનું સામ્રાજ્ય યથાવત્ છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આ દબાણો સામે આજ સુધી કોઈ મોટી અને નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

બીજી તરફ, માનવ અધિકાર આયોગ દ્વારા રચાયેલી કમિટીએ પણ પોતાના રિપોર્ટમાં વિશ્વામિત્રી નદી પરના કેટલાક સ્પષ્ટ દેખીતા દબાણો અંગે ગંભીર ટકોર કરી હતી. કમિટીએ ચેતવણી આપ્યા છતાં, તંત્ર દ્વારા આ દબાણો સામે કોઈ પગલાં લેવાયા નથી, જે તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે.

વર્તમાન પરિસ્થિતિ એ છે કે, જૂના દબાણો તો દૂર થયા જ નથી, પરંતુ શહેરમાં હવે નવા દબાણોનો ઉદ્ભવ થવા લાગ્યો છે. માનવ અધિકાર આયોગના રિપોર્ટમાં ખાસ કરીને ચેતક બ્રિજની દક્ષિણ બાજુએ થયેલા દબાણો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
​જોકે, હવે આશ્ચર્યજનક રીતે એ જ ચેતક બ્રિજની ઉત્તર બાજુમાં પણ નવા દબાણો થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. એટલે કે, પૂર બાદ પણ દબાણકર્તાઓને કોઈ ડર ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

પૂર નિયંત્રણના નિષ્ણાતો વારંવાર ચેતવણી આપતા રહ્યા છે કે, વિશ્વામિત્રી નદીમાં પૂર આવવા માટે જવાબદાર મુખ્ય પરિબળો પૈકી દબાણો સૌથી મહત્વનું પરિબળ છે. જો નદીનો પટ સંકોચાશે, તો પૂરનું જોખમ અને તેની તીવ્રતા બંને વધશે, જેણે પાછલા વર્ષે વડોદરાના એક મોટા ભાગને અસરગ્રસ્ત કર્યો હતો.
​તંત્ર દ્વારા તાત્કાલિક આ દબાણો દૂર કરી, પૂર નિવારણ માટે કમિટીની સૂચનાઓ મુજબ કામગીરી કરવામાં આવે તે માંગ ઊભી થઈ છે.

Most Popular

To Top