Vadodara

પૂર બાદ અસરગ્રસ્તોમાં રોષ યથાવત, કોર્પોરેટર જાગૃતિ કાકાનો ધેરાવો કર્યો



વડોદરા શહેરમાં આવેલ પૂરે ભારે તબાહી મચાવી હતી. પૂરગ્રસ્તો માટે સરકાર દ્વારા સહાયની જાહેરાત કર્યા બાદ સર્વે કરી અસરગ્રસ્તોને સહાય ચૂકવી હોવાના તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ તેની વાસ્તવિકતા કંઈક જુદી જ જોવા મળી રહી છે. જેના કારણે હજુ પણ લોકોમાં તંત્ર સહીત રાજકીય નેતાઓ, કોર્પોરેટરો સામે રોષ જોવા મળી રહ્યો છે. અને આવામાં ફરી એક વાર કોઈ સ્થાનિક કોર્પોરેટર જનતાના રોષનો ભોગ બન્યો હોય તેવો બનાવ સામે આવ્યો છે. જેમાં આ વખતે આક્રોશિત લોકો દ્વારા કોર્પોરેટર જાગૃતિ કાકાનો ધેરાવો કરવામાં આવ્યો હતો.
પૂર બાદ ગુજરાત સરકાર દ્વારા અસરગ્રસ્તોને સહાય ચૂકવવા માટે તંત્રને આદેશ આપ્યો હતો. જેની સામે તમામ અસરગ્રસ્તોને સહાય ચૂકવાઇ હોવાના તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવ્યા જે દાવાઓ પોકળ સાબિત થયા છે. કારણકે, ભાજપ કાર્યાલયને બિલકુલ અડીને આવેલી સોસાયટીમાં જ સર્વે નથી થયો તેવો સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો છે.
પૂરના લાંબા સમય બાદ કોર્પોરેટર જાગૃતિ કાકાએ વિસ્તારમાં દસ્તક દેતા લોકો રોષે ભરાયા હતા. શ્રીજી સોસાયટીના લોકોએ કોર્પોરેટર જાગૃતિ કાકાનો ઘેરાવો કર્યો હતો. જે દરમિયાન સ્થાનિક નાગરિકોએ જાગૃતિ કાકા સામે સવાલોનો મારો ચલાવ્યો હતો. જેની સામે કોર્પોરેટરએ સમગ્ર દોષનો ટોપલો વોર્ડ ઓફિસર અને કલેકટર કચેરી પર ઢોળ્યો હતો. સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો કે, આ વિનાશક પૂરે અમને ઘણુબધુ શીખવી દીધું. પૂર સમયે લોકો ટળવળતા રહ્યા છતાં કોઈએ ભાળ ન કાઢી. તમને મત આપ્યો એ અમારા જીવન ની સૌથી મોટી ભૂલ હતી. પરંતુ હવે આવતી ચૂંટણીમાં અહી મત લેવા ભૂલથી પણ ન આવતા.

Most Popular

To Top