શહેરના પૂર્વ સ્થાયી ચેરમેને સ્થાનિકોની રજૂઆતો ન સાંભળી મનમાની કરી રોડ ઉંચા કરાવી દેતાં આ વિસ્તારમાં નજીવા વરસાદમાં પાણીના ભરાવાની કાયમી સમસ્યા ઉભી થઇ
લોકોના વાહનો, ફર્નિચર સહિતની ઘરવખરીને નુકસાન
(પ્રતિનિધિ)) વડોદરા તા. 29
શહેરમાં ભારે વરસાદ પડતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં, રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ ખાતેના પ્રભુનગર સોસાયટી, ચંદ્રનગર, અંબિકા સોસાયટી, કુંજ સોસાયટી, લકુલેશ સોસાયટી, ભારત સમાજ, જીવનશાંતિ, સરસ્વતી સોસાયટી, માજીનગર, હિરાબાનગર, રંગવાટિકા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા આ વિસ્તારમાં સોસાયટી તથા લોકોના મકાનોમા પાણી પ્રવેશ્યા હતાં. જેના કારણે લોકોના વાહનો, ઘરવખરીને અને ફર્નિચરને નુકસાન થયું છે. પ્રભુનગરના સામાજિક આગેવાન પ્રણવ ત્રિવેદી, કલ્પેશ પટેલ, કેતન ત્રિવેદી સહિતના સ્થાનિક આગેવાનોએ જે તે સમયે સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન અને અહીંના નગરસેવક ડો.હિતેન્દ્ર પટેલને રોડ ઉંચા નહીં કરવા વારંવાર સર્ફેસીંગની કામગીરી નહીં કરવાની લેખિતમાં તથા મૌખિક સૂચના છતાં જે તે સમયે ડો.હિતેન્દ્ર પટેલે રજૂઆતો ધ્યાને લીધી ન હતી પરિણામે દર વર્ષે અહીં નજીવા વરસાદી પાણીમાં પણ પ્રભુનગર સહિતના સોસાયટીઓમા કમર સુધીનાવરસાદી પાણી ભરાઇ જાય છે. જેના કારણે લોકોના મકાનોમા પાણી પ્રવેશે છે અને ફર્નિચર, ઘરવખરી તથા વાહનોને લાખોનુ નુકસાન વેઠવું પડી રહ્યું છે. અહીંના આગેવાન પ્રણવ ત્રિવેદીના સહિતના લોકોના મકાનોમાં વરસાદી પાણી ભરાતાં વાહનો ફર્નિચરને નુકસાન થયું છે સાથે જ આ વિસ્તારોમાં ડ્રેનેજના ચેમ્બરો ઉંચા હોય ડ્રેનેજ ચોક અપ થઇ જતાં લોકોના મકાનોમા ડ્રેનેજના પાણી સંડાસ બાથરૂમમાં થી બહાર આવી રહ્યાં છે. અહીં લોકો સંડાસ બાથરૂમનો પણ ઉપયોગ ન કરી શકે તેવી સ્થિત ચોમાસામાં નિર્માણ પામે છે જેના કારણે અહીં લોકોમાં તંત્ર તથા પૂર્વ ચેરમેનની કામગીરી પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.