છૂટાછેડા લીધા બાદ પણ પૂર્વ પતિ પરિણીતા સાથે રહેતો હોય પરણિતાએ દીકરીને જન્મ આપ્યો હતો
નશો કરવા ટેવાયેલો પૂર્વ પતિ પત્ની સાથે મારઝૂડ કરતો અને દીકરીને પોતાનું નામ આપતો ન હોય પરિણીતા કંટાળી હતી
(પ્રતિનિધિ) વડોદરા તા. 19
વડોદરા તાલુકાના એક ગામમાં રહેતી યુવતીએ પોતાના પરિવારની મરજી વિરુદ્ધ જઈને પ્રેમલગ્ન કર્યા હતા પરંતુ થોડા સમય બાદ પતિએ પોત પ્રકાશ્યું હતું અને વ્યસનના રવાડે ચઢી જઇ પત્નીને શારીરિક અને માનસિક રીતે પરેશાન કરતો હોય બંનેએ છૂટાછેડા લીધા હતા તેમ છતાં પૂર્વ પતિ પરિણીતાને લાગણીના વહેણમાં લાવી તેની સાથે રહેતો હતો અને શારીરિક સંબંધ રાખતો જેથી પરિણીતાએ એક દીકરીને જન્મ આપ્યો હતો.દીકરીને પિતાનું નામ મળે અને પિતાની છત્રછાયા મળે તે માટે પરિણીતા સાથે રહેવા મજબૂર હતી પરંતુ નશાની લતે ચઢેલો પૂર્વ પતિ મારઝૂડ કરતો હોય કંટાળીને પરિણીતા દીકરી સાથે મહિસાગર નદીમાં આત્મહત્યા કરવા જવા તૈયાર થઈ હોય કોઇએ અભયમની ટીમને જાણ કરતાં અભયમ ટીમે મહિલાની વહારે આવી હતી અને પૂર્વ પતિ વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાદરાની અભયમ ટીમને કોઇ ત્રાહિત વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું હતું કે એક પરિણીતા ચાર વર્ષની દીકરી સાથે મહિસાગર નદીમાં આત્મહત્યા કરવા માટે જાય છે જેથી અભયમની પાદરાની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી જ્યાં એક પરિણીતાને દીકરી સાથે બચાવી લીધી હતી અને તેને સમજાવી પૂછપરછ કરતાં પરિણીતાએ જણાવ્યું હતું કે ગ્રેજ્યુએટ થયેલી યુવતી છે અને પોતાના પરિવારની મરજી વિરુદ્ધ જઈને વર્ષ -2015 માં પ્રેમલગ્ન કર્યા હતા જેના કારણે સગાં સંબંધી માતા પિતા કોઇ તેણી સાથે સંબંધ રાખતા ન હતા શરુઆતમાં દોઢ વર્ષ લગ્નજીવન સુખમય રીતે ચાલ્યા બાદ પતિ નશાની લતે ચઢી અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા બંનેએ છૂટાછેડા લીધા હતા પરંતુ છૂટાછેડા બાદ પણ પૂર્વ પતિ પત્નીની લાગણીશીલતા નો ફાયદો ઉઠાવી પરિણીતાના ઘરે અવરજવર કરતો હતો અને સાથે રહેતા શારીરિક સંબંધ રાખતો જેના કારણે પરિણીતાને ગર્ભ રહ્યો હતો અને એક દીકરીનો જન્મ થયો હતો.પરિણીતા દીકરીને પિતાનું નામ અને છત્રછાયા મળશે તેવી આશાએ મજબૂરીમાં પૂર્વ પતિ સાથે રહેતી હતી પરંતુ નશાની લતે ચઢી ગયેલો પૂર્વ પતિ શારીરિક અને માનસિક રીતે પરિણીતાને પ્રતાડિત કરતો હતો પરિણીતાને સાસરિયા કે પિયર પક્ષનો સપોર્ટ ન હોય પરિણીતા કંટાળી ગઈ હતી અને દીકરી સાથે મહિસાગર નદીમાં આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું.સમગ્ર મામલો સમજીને અભયમ પાદરાની ટીમે પરિણીતાને સમજાવી હતી અને આશ્વાસન આપ્યું હતું પરિણીતા પોતે ગ્રેજ્યુએટ હોય અને પગાર પણ સારો હોય પોતે આત્મનિર્ભર બની દીકરીના ઉજ્જવળ ભવિષ્ય તરફ ધ્યાન આપે તેમ સમજાવી હતી તથા પરિણીતાની સલામતીને ધ્યાનમાં રાખીને મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાવી હતી.આમ અભયમ પાદરાની ટીમે પરિણીતા તથા તેની દીકરીને આત્મહત્યા કરતાં બચાવી તેણીને આત્મનિર્ભર બનવા સમજાવી હતી સાથે જ પરિણીતાની સલામતી અંગેની પણ કાર્યવાહી કરી હતી.