Vadodara

પૂર્વ કાઉન્સિલર કલ્પેશ પટેલ- જય રણછોડના ઘરે શંકાસ્પદ લોકો દ્વારા રેકી

મારી હત્યા કે લૂંટ થઈ શકી હોત” સીસીટીવીમાં દેખાયેલા ત્રણ શંકાસ્પદ ઈસમો મામલે પૂર્વ કાઉન્સિલરનો ગંભીર આક્ષેપ

વડોદરા : શહેરના માંજલપુર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ઘટના સામે આવી છે. વોર્ડ નંબર 18ના પૂર્વ કાઉન્સિલર કલ્પેશ પટેલ (ઉર્ફે જય રણછોડ) ના નિવાસસ્થાને ધોળે દિવસે ત્રણ અજાણ્યા ઈસમોએ ઘૂસીને રેકી કરી હોવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. સમગ્ર મામલે પૂર્વ કાઉન્સિલર દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, માંજલપુર સ્થિત કલ્પેશ પટેલના નિવાસી સ્થાને બપોરના સમયે જ્યારે પરિવારના સભ્યો હાજર હતા, ત્યારે ત્રણ જેટલા અજાણ્યા શખ્સો શંકાસ્પદ રીતે ઘરના કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા હતા. આ શખ્સોએ ઘરની આસપાસ રેકી કરી હતી અને કોઈ ચોક્કસ ઈરાદા સાથે આવ્યા હોય તેમ જણાતું હતું. જોકે, સીસીટીવી કેમેરા અને અન્ય હિલચાલ જોઈને આ શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

ઘટના બાદ જ્યારે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા ત્યારે તેમાં ત્રણ અજાણ્યા ઈસમો સ્પષ્ટપણે કેદ થયેલા જોવા મળ્યા હતા. પૂર્વ કાઉન્સિલર કલ્પેશ પટેલે આક્ષેપ કર્યો છે કે, “આ શખ્સો લૂંટ અથવા મારી હત્યા કરવાના ઈરાદે આવ્યા હોઈ શકે છે.” ધોળે દિવસે બનેલી આ ઘટનાએ સ્થાનિક રહીશો અને રાજકીય વર્તુળોમાં ભયનો માહોલ પેદા કર્યો છે.

આ મામલે કલ્પેશ પટેલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપીને સીસીટીવી ફૂટેજ સોંપ્યા છે. ઉલ્લેખનીય છે કે, માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તાર અવારનવાર ગુનાહિત પ્રવૃત્તિઓ અને કાયદો-વ્યવસ્થાની કથળતી સ્થિતિને લીધે ચર્ચામાં રહે છે. ત્યારે એક પૂર્વ લોકપ્રતિનિધિના ઘરે જ જો સુરક્ષા ન હોય, તો સામાન્ય જનતાનું શું? તેવા સવાલો ઉઠી રહ્યા છે.
​હાલ પોલીસ આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે શખ્સોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી રહી છે.

Most Popular

To Top