વિશ્વામિત્રીના પાણી પ્રાણી સંગ્રહાલયમાં ઘૂસ્યા, મૂંગા પ્રાણી ચિચિયારી પાડતા રહ્યા, કોઈ મદદે ના આવ્યું
સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયમાં 7 હરણ અને 2 નીલગાય પૂરમાં મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળે છે.
આજરોજ સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયની પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયમાં જે પરિસ્થિતિ જોઈ એ પરથી ચોક્કસ કહી શકાય કે, પ્રાણીસંગ્રહાલયના મોટાભાગના પશુ – પક્ષીઓ પૂરના આશરે 50 કલાક ભગવાન ભરોસે રહ્યા હશે. વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલા સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયમાં ચારે તરફ પાણી ફરી વળ્યું હશે ત્યારે પ્રાણીસંગ્રહાલયનો સ્ટાફ બધાં જ પશુ – પંક્ષીઓની કાળજી રાખી નહીં શક્યો હોય એવું સ્પષ્ટ જણાય છે.
આમેય મગરો ધરાવતી વિશ્વામિત્રીના નીર સયાજીબાગમાં ફરી વળ્યાં હોય ત્યારે સ્ટાફના માણસો માટે પણ કપરી સ્થિતિ સર્જાઈ હશે એવું માનવું છે. જોકે, સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયમાં કામ કરતાં કેટલાંક લોકોએ એવો બળાવો કાઢ્યો હતો કે, આટલાં વર્ષોમાં આવી કપરી પરિસ્થિતિ પહેલીવાર સર્જાઈ છે. ઘણાં પૂર જોયાં પણ, આવું પહેલાં ક્યારેય થયું નથી.
હાલ તમામ પશુ – પક્ષીઓને ભોજનની પણ પૂરતી વ્યવસ્થા થઈ હોય એવું જણાતું નથી. પીંજરામાં પૂરાયેલા મુંગા જીવોના ચહેરા પર વિતેલાં 50 કલાકોના ભયાવહ દ્રશ્યો તરતાં હોય એવી અનુભુતિ થાય છે.
પૂરના પાણી ઓસર્યા બાદ 7 હરણ અને 2 નીલગાય મૃત્યુ પામ્યાં હોવાની જાણકારી મળી છે. જોકે, પક્ષીઓ તેમજ વાઘ – સિંહ સહિતના હિંસક પશુઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
એકંદરે, વડોદરામાં સતત સત્તા પ્રાપ્ત કરતાં અને એકહથ્થુ સાશન ભોગવતાં ભાજપના નેતાઓની અને કમાટીબાગ ના વહીવટદારો પ્રજાને ભાજી-મૂળા સમજવાની વૃત્તિ ગમે તે થાય પોતાનો વિકાસ કરવાની માનસિકતાનું પરિણામ વધુ એકવાર વડોદરાવાસીઓએ અને મુંગા જીવોએ ભોગવ્યું છે.
પૂરના પાણીએ કમાટીબાગમાં 7 હરણ અને 2 નીલગાયનો ભોગ લીધો
By
Posted on