Garbada

પૂડાને એક પક્ષીએ ખલેલ પહોંચાડતા મધમાખીઓનું ટોળું ઉગ્ર બન્યું, બે વૃધ્ધોને અધમૂવા કરી નાખ્યા

ગરબાડામાં મધમાખીનો હુમલો, બે વૃદ્ધ ઇજાગ્રસ્ત; એકની હાલત ગંભીર થતાં દાહોદ રીફર
ગરબાડા: ગરબાડા તાલુકાના સીમલીયા બુઝર્ગ ગામમાં મધમાખીના અચાનક હુમલાથી બે વૃદ્ધો ઇજાગ્રસ્ત થવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં રંગલીબેન ભારતભાઈ રોઝ અને રત્નાભાઈ નેવાભાઈ નળવાયા મધમાખીના ડંખથી ઘાયલ થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, બંને વૃદ્ધો પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન નજીક આવેલા લીમડાના ઝાડ પરના મધમાખીના પૂડાને એક પક્ષીએ ખલેલ પહોંચાડી હતી. પરિણામે મધમાખીઓનું ટોળું ઉગ્ર બન્યું અને ખેતરમાં કામ કરી રહેલા બંને વૃદ્ધો પર હુમલો કર્યો હતો.
મધમાખીના અનેક ડંખ લાગતા બંને વૃદ્ધો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે ગરબાડાના નવાફળીયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
પરંતુ રંગલીબેન ભારતભાઈ રોઝની હાલત વધુ ગંભીર જણાતાં તેમને વધુ સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા, જ્યારે રત્નાભાઈ નળવાયાની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને ખેતરો તેમજ ઝાડવાળા વિસ્તારોમાં કામ કરતી વખતે સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

રિપોર્ટર: વનરાજ ભુરીયા

Most Popular

To Top