માંડવી દરવાજાના પોપડા ખર્યા પછી તંત્ર હરકતમાં, હવે પુરાતત્વ વિભાગે જવાબદારી સંભાળી
વડોદરાની ઐતિહાસિક ધરોહર ગણાતી માંડવી દરવાજાની હાલત દિનપ્રતિદિન વધુ જર્જરિત બની રહી છે. તાજેતરમાં પિલરના પોપડા ખસી પડ્યા બાદ સ્થાનિક સ્તરે ચિંતા વધી હતી. આજે પહેલીવાર આ ઘટનાને ગંભીરતાપૂર્વક લેતાં પુરાતત્વ વિભાગની ટીમ સ્થળ પર આવી અને દરવાજાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. વિશેષ છે કે, વડોદરાની આ વારસાગત સાંસ્કૃતિક ઈમારતના રક્ષણ માટે લાંબા સમયથી માંગ ઊઠતી રહી છે. પરંતુ જ્યારે પિલર પરથી પોપડા ખર્યા અને માળખું નુકસાની તરફ જઈ રહ્યું છે ત્યારે તંત્ર જાગ્યું છે.
સ્થાનિક મહંતે આ હરફને આગળ ધપાવતા ખુલ્લા પગે તપસ્યા શરૂ કરી અને પોતાનાં પગરખાં ત્યજી વિરોધ નોંધાવ્યો હતો. બે દિવસના આ ઉગ્ર પ્રદર્શન બાદ આખરે તંત્ર હરકતમાં આવ્યું છે. પુરાતત્વ વિભાગના એક્સપર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “જલ્દી સોલ્યુશન ન લવાયું તો આ ઐતિહાસિક ધરોહર કાયમ માટે ખોવાઈ શકે છે.” તેમણે દરવાજાના પિલર, દિવાલ અને છતની સ્થિતિ ચકાસી અને તાત્કાલિક મરામત જરૂરી હોવાનું માન્યું.
માંડવી ઇમારતના સંરક્ષણ માટે ડૉ હેમાંગ જોશી અને બાલકૃષ્ણ શુક્લનો પ્રયાસ
કોંગ્રેસ દ્વારા આયોજિત ધરણા પ્રદર્શન પછી, શહેરની શાન ગણાતી માંડવી ઇમારતના રક્ષણ માટે મજબૂત પગલાં લેવામાં આવ્યા છે. આ દિશામાં નોંધપાત્ર ચેતના દર્શાવતાં સાંસદ ડો. હેમાંગ જોશી અને ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લાએ શ્રી વિઠ્ઠલનાથજી મંદિરના મહંત હરીઓમ વ્યાસની મુલાકાત લીધી હતી. મહંત હરીઓમ વ્યાસે પગરખાં વગર આંદોલન કરીને માંડવી ઇમારતના સંરક્ષણ માટે આગેવાની આપી છે. આ મુલાકાત દરમિયાન સાંસદ ડો. હેમાંગ જોશીએ ખાતરી આપી હતી કે માંડવી ઇમારતનું કાર્ય વહેલી તકે પૂર્ણ કરાશે. તેમણે જણાવ્યું કે, “માંડવી ઇમારત માત્ર ઇમારત નથી, પરંતુ વડોદરાની સંસ્કૃતિ અને વારસાનું પ્રતિક છે.” ઇમારતના જર્જરિત પિલરોનું પ્રાથમિક સમારકામ શરૂ કરવામાં આવ્યું છે અને પુરાતત્વ વિભાગ સાથે ચર્ચા પણ ચાલી રહી છે. જલ્દી જ સમારકામ કાર્ય સંપૂર્ણ રીતે શરૂ કરવામાં આવશે.
