Shinor

પુનિયાદ–આનંદી માર્ગ પર નાળું તૂટી પડવાની ભીતિ: ચોમાસા પહેલાં સમારકામ ન થાય તો માર્ગ બંધ થવાનો ખતરો

ખરાબ ગુણવત્તાના માર્ગ અને ધરાશાયી સંરક્ષણ દીવાલ બાદ પણ તંત્ર નિષ્ક્રિય
સ્થાનિકોની માંગ: તાત્કાલિક કામગીરી નહીં થાય તો ઑનલાઇન ફરિયાદ અને આંદોલનની ચેતવણી

પ્રતિનિધિ, શિનોર
શિનોર તાલુકાના પુનિયાદ–આનંદી માર્ગ પર આવેલું નાળું તૂટી પડવાની દહેશત વચ્ચે સ્થાનિક રહેવાસીઓએ તંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. ચોમાસા પહેલાં જરૂરી સમારકામ ન કરવામાં આવે તો માર્ગ સંપૂર્ણ બંધ થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

જિલ્લા પંચાયત વડોદરા હેઠળના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૦માં પુનિયાદથી આનંદી ગામને જોડતો અંદાજે ૨ કિલોમીટર લાંબો પાકો માર્ગ બનાવવામાં આવ્યો હતો. પરંતુ શરૂઆતથી જ માર્ગની ગુણવત્તા નબળી હોવાને કારણે એક વર્ષમાં જ ઠેરઠેર ખાડાઓ પડી ગયા હતા. આ અંગે તત્કાલીન તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષા પ્રિયલબેન પટેલે તા. ૨૩-૦૭-૨૦૨૧ના રોજ માર્ગ સમારકામ માટે તંત્રને લેખિત રજૂઆત કરી હતી.

વર્ષ ૨૦૨૪ના ચોમાસા દરમિયાન માર્ગના વળાંક પર બનાવવામાં આવેલી સંરક્ષણ દીવાલ પાણીના વહેણમાં ધરાશાયી થઈ જતા નવી દીવાલ બનાવવા માટે તા. ૨ ઓક્ટોબર ૨૦૨૪ની ગ્રામસભામાં ઠરાવ નંબર ૮ દ્વારા તંત્રને ફરી રજૂઆત કરવામાં આવી હતી. છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.

હાલ માર્ગ પર ઠેરઠેર મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે, જેના કારણે સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વધુમાં પુનિયાદ ગામ નજીકના વળાંક પર આવેલા નાળાની પાઈપ નીચે પાણીના ધોવાણથી મોટો ખાડો પડી ગયો છે. જો ચોમાસા પહેલાં તેનું સમારકામ નહીં કરવામાં આવે તો નાળું બેસી જવાથી માર્ગ સંપૂર્ણ બંધ થવાની શક્યતા ઉભી થઈ છે.
સ્થાનિક રહેવાસીઓએ તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છે. સાથે સાથે તાલુકા અને જિલ્લા સ્તરના આગેવાનો તેમજ વિસ્તારના ધારાસભ્ય અક્ષય પટેલે પણ સમસ્યાના નિરાકરણ માટે આગળ આવવાની માંગ ઉઠી છે. તંત્ર ટૂંક સમયમાં કાર્યવાહી નહીં કરે તો જાગૃત નાગરિકો દ્વારા ઑનલાઇન ફરિયાદ સહિત આગળના પગલાં ભરવાની ચેતવણી આપવામાં આવી છે.

રિપોર્ટર: અમિત સોની

Most Popular

To Top