દાહોદ :
બે દિવસ અગાઉ વહેલી સવારે સુખસર તાલુકાના ધાણીખૂંટ ગામે પિયરમાં જવાના મામલે પોતાના ત્રણ વર્ષીય વ્હાલસોયા પુત્રને સાથે લઈને ગામના એક કૂવામાં પડતું મૂકી આત્મહત્યા કરી લેતા, સુખસર પોલીસે આખરે પોતાના વ્હાલસોયા પુત્રને સાથે લઈ કૂવામાં પડતું મૂકી મોતને ભેટનાર જનેતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના ધાણી ખૂટ ગામના કટારા ફળિયામાં રહેતા અને રેકડો ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા રાકેશભાઈ ખુમાભાઈ કટારાની પત્ની ૨૮ વર્ષીય સંગીતાબેન કટારાએ ગત તારીખ ૧૪મી ના રોજ વહેલી સવારે પોતાના પતિને પિયરમાં જવાનું જણાવતા તેના પતિ રાકેશભાઈએ કહ્યું હતું કે રેકડો લઈને હું સાંજે આવીશ પછી આપણે બાળકો સાથે તારા પિયરમાં જઈશું, તેમ કહી રાકેશભાઈ પોતાનો રેકડો લઈ ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ રાકેશભાઈની પત્ની સંગીતાબેને પોતાના વ્હાલસોયા ત્રણ વર્ષીય પુત્ર તેજસભાઈને સાથે લઈ ગામના પાણી ભરેલા એક કૂવામાં પડતું મુકતાં સંગીતાબેન તથા તેના વ્હાલસોયા પુત્ર તેજસભાઈ એમ બંને જણાનું કુવાના પાણીમાં ડૂબી જતા મોત નિપજ્યું હતું. આ મામલે પ્રાથમિક તબક્કે સુખસર પોલીસે સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળિયા કરી આગળ વધુ તપાસ હાથ ધરી હતી તે દરમિયાન મૃતક સંગીતાબેનના સસરા ધાણીખૂટ ગામના કટારા ફળિયામાં રહેતા ખુમાભાઈ હુમાભાઈ કટારાય ઉપરોક્ત કેફિયત ભરી ફરીયાદ નોંધાવતા સુખસર પોલીસે આ સંદર્ભે મૃતક સંગીતાબેન રાકેશભાઈ કટારા વિરુદ્ધ ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ની કલમ ૧૦૩(૧) મુજબ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.