પ્રતિનિધિ વડોદરા તા.13
કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પી મુરજાણીના આપઘાતમાં મૃતકની પત્નીની ફરિયાદના આધારે માનેલી દીકરી અને તેની માતાની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારે તેમની વધુ પુછપરછ કરવા માટે પાણીગેટ પોલીસ દ્વારા તેમને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડની માગણી કરતા કોર્ટે ચાર દિના રિમાન્ડ મંજૂર કર્યા છે.
વાઘોડિયા રોડ પર આવેલા નારાયણ ડુપ્લેક્ષમાં રહેતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પરષોત્તમ મુરઝાણીએ પોતાના સંતાન ન હોય કોમલ સીકલીગરને પોતાની દીકરી તરીકે માની હતી અને તેનું તથા તેની માતા સંગીતાના તમામ મોજશોખ તથા પાલનપોષણ પી. મુરજાણી પુરા કરતા હતા. દરમિયાન તેઓએ કોમલને મર્સિડીઝ કાર લઇને આપી હતી. જેમાં તેઓએ પોતાની પત્ની જાગૃતિને બેસડાતા કોમલ અને તેની માતા સંગીતા રોષે ભરાયા અને તેમને ગાળો આપીને ધમકાવ્યા હતા. ત્યારબાદ તારી પત્નીને છુટાછેડા આપી નહી તો તારા વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાશુ તેવી ધમકી આપી હતી. જેથી પી.મુરજાણીએ ગોળી મારીને આપઘાત કરી લીધી હતો. જેથી મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવતા પોલીસે માનેલી દીકરી કોમલ તથા તેની માતા વિરુદ્ધ દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધી તેમની ભાવનગર હાઇવે પર રંગોળા ગામ પાસેથી ધરપકડ કરી લેવામાં આવી હતી. તેમની વધુ પુછપરછ કરવા માટે પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ એમ વ્યાસે કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડની માગણી કરતા કોર્ટે ચાર દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે.