Vadodara

પીસીબીની મોટી કાર્યવાહી, એક્સપ્રેસ હાઈવે પરથી રૂ.34.87 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

નંદેસરી પોલીસની બેદરકારી બહાર આવી
વડોદરા તા.26
વડોદરા શહેર પીસીબી પોલીસની ટીમે નવા એક્સપ્રેસ હાઈવે પર મોટી કાર્યવાહી કરીને રૂ.34.87 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. દારૂ ભરેલો ટ્રક ભરૂચથી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો. કાર્યવાહી દરમિયાન નંદેસરી પોલીસની પેટ્રોલિંગની નિષ્ક્રિયતા પણ સામે આવી છે.
પીસીબી ટીમને બાતમી મળતા નંદેસરી ચોકડી પાસેથી ફાજલપુર ઉતરવાના નાકા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબ આવેલ સફેદ રંગના અશોક લેલેન્ડ ટ્રકને રોકી તપાસ કરતા શરૂઆતમાં કંઈ શંકાસ્પદ ન મળ્યું, પરંતુ ડ્રાઇવર કેબિનની પાછળ બનાવેલા ખાસ ચોરખાનામાંથી વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન મળી આવ્યા હતા.
પોલીસે ટ્રક ચાલક જોધારામ જોગારામ જાટ અને ક્લીનર ભાગીરથ સમારામ જાટ (બન્ને રહેવાસી બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. તપાસમાં રૂ.34.87 લાખનો દારૂ-બિયર જથ્થો, રૂ.17 હજાર રોકડ, મોબાઇલ ફોન અને અંદાજે રૂ.15 લાખનો ટ્રક મળી કુલ રૂ.50.10 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આ કેસમાં દારૂ મંગાવનાર સુત્રારામ સારણ જાટ, સુરજખાન સહિત ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. એક્સપ્રેસ હાઈવે પરથી દારૂ પસાર થતો હોવા છતાં નંદેસરી પોલીસ અજાણ રહેતા હવે તેમની કામગીરી પર સવાલ ઊભા થયા છે.

Most Popular

To Top