પાવી જેતપુર: છોટાઉદેપુર જિલ્લામાં હાલ ચાર બ્રિજ પરથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારદારી વાહનોની અવર જવર બંધ કરવામાં આવી છે. જેને લઇ ભારદારી વાહન ચાલકો ભારે મુશ્કેલી મા મુકાયા છે. હવે પાવી જેતપુર પાસે વસવા નદીના બ્રિજની ટેસ્ટિંગ કામગીરી હાથ ધરાઇ છે.

જોકે પાવી જેતપુર પાસે આ વસવા નદી પાસે જ એક નાળું ક્ષતિગ્રસ્ત થતા હાલ આ બ્રિજ પરથી બે મહિના ઉપરાંતથી ભારદારી વાહનોની અવર જવર નથી.
બોડેલી પાસે ઓરસંગ બ્રિજ તથા મેરીયા બ્રિજ પર ભારદારી વાહનો બંધ છે. ત્યારબાદ હવે પાવીજેતપુર પાસે વસવા નદીના બ્રિજનું ટેસ્ટિંગ કામગીરી હાથ ધરાઇ છે.

છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વેપાર સાવ ઠપ થઈ ગયો છે. રસ્તાઓના નેટવર્કમાં વિક્ષેપો ઊભા થતાં બજારોમાં લોકોની અવરજવર 90 ટકા પ્રભાવિત થઈ છે. મંદીની મોસમમાં આ અવસ્થા દુષ્કાળમાં અધિક માસ જેવી લાગે છે. વેપારીઓ સહિત આ વિસ્તારના નાગરિકોની પીડા અને દર્દને સમજવાવાળા કે સાંભળવા વાળા કોઈ કાન નથી એવો અહેસાસ અહીં લોકોને થઈ રહ્યો છે. રસ્તાઓ બંધ થતા બજારોમાં વેપાર નહીંવત થઈ ગયો છે. વહેલી તકે તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેમ લોકો માંગ કરી રહ્યા છે.