પરિવારજનો અને સ્થાનિકોમાં રોષ
પાવીજેતપુર:
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ ગામે રેતીના વોશીંગ પ્લાન્ટમાં દુર્ઘટનાજનક બનાવ બન્યો છે. પ્લાન્ટ ખાતે વોશ કરેલી રેતીનો રગડો કાઢવા માટે કુવામાં ઉતરેલા એક કામદારને અચાનક વીજ કરંટ લાગતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, કામ દરમિયાન ત્રણ યુવાનો કુવામાં ઉતર્યા હતા. તેમાં દિલીપ મોતીભાઈ પલાસ અને સત્રાભાઈ મોતીભાઈ પલાસ સાથે મૃતક ગોવિંદ મોતીભાઈ પલાસ કામ કરી રહ્યા હતા. અચાનક કરંટ લાગતાં ગોવિંદ મોતીભાઈ પલાસ જમીન પર ઢળી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના કામદારો દોડી આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત થઈ ચૂક્યું હતું.

ઘટનાની જાણ થતાં પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા અને પ્લાન્ટ સંચાલકની બેદરકારી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. કામ દરમિયાન જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓનો અભાવ હોવાનું જણાવતાં પરિવારજનોએ આ દુર્ઘટનાને જવાબદાર ગણાવી છે. ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં પણ ભારે આક્રોશ ફેલાયો છે.
આ બનાવ અંગે પાવીજેતપુર પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે અને સમગ્ર ઘટનાને લઈ કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી રહી છે.