ગુજરાત મિત્ર ન્યૂઝ– પાવીજેતપુર
સમગ્ર આદિવાસી વિસ્તારમાં પરંપરાગત શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ગામસાઈ ઈન્દની ઉજવણી ચાલી રહી છે. તેવામાં છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ઈટવાડા ફળિયામાં પણ દેવોની પેઢી બદલવાના પવિત્ર પ્રસંગે ગામસાઈ ઈન્દનો મેળો આદર, આસ્થા અને ભવ્યતાપૂર્વક ઉજવાઈ રહ્યો છે. આ મેળો તા. ૧૮ ડિસેમ્બરથી શરૂ થયો છે અને તા. ૨૮-૧૨-૨૦૨૫ સુધી ચાલશે.

ઈટવાડા ફળિયામાં યોજાતી ગામસાઈ ઈન્દની ઉજવણી આદિવાસી સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ બની રહી છે. આ ઉત્સવ દરમિયાન આદિવાસી સમાજ પોતાની પરંપરા મુજબ દેવી-દેવતાઓ, પૂર્વજો અને પ્રકૃતિ માતાની આરાધના કરે છે. દેવોની પેઢી બદલવાનો આ વિશેષ મેળો સામાન્ય રીતે ૬૦ થી ૭૦ વર્ષ પછી યોજાતો હોવાથી તેનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ અનેક ગણું વધી જાય છે.
ગામસાઈ ઈન્દ દરમિયાન દેવોના નવા ઘોડા તથા નવા ખુટનું સ્થાપન વિધિવત રીતે બળવા અને પુંજારા દ્વારા કરવામાં આવે છે. સમગ્ર વિધિ પરંપરાગત રીતિ-રિવાજો સાથે સંપન્ન થાય છે, જેમાં ગામના વડીલો અને સમાજના આગેવાનો વિશેષ ભૂમિકા ભજવે છે.
ઉત્સવ દરમિયાન ગામ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડે છે. પુરુષો-મહિલાઓ પોતાના પારંપરિક પહેરવેશમાં સજ્જ થઈ ઢોલ-માંદળના તાલે તીર-કામઠા સાથે પરંપરાગત નૃત્ય-ગીતો દ્વારા આનંદ વ્યક્ત કરે છે. સમગ્ર ફળિયામાં ભક્તિ, સંસ્કૃતિ અને ઉત્સવનું અનોખું સંગમ જોવા મળી રહ્યું છે.
ગામસાઈ ઈન્દનો આ મેળો માત્ર ધાર્મિક પ્રસંગ નહીં પરંતુ આદિવાસી સમાજની એકતા, પરંપરા અને ઓળખને ઉજાગર કરતો મહાન ઉત્સવ બની રહ્યો છે, જેમાં પેઢીદર પેઢીથી ચાલી આવતી સંસ્કૃતિ નવી ઉર્જા સાથે જીવંત થતી જોવા મળી રહી છે.
પ્રતિનિધિ : આરીફ ખત્રી