હાલોલ:
હાલોલના પાવાગઢ રોડ પર કોર્ટ ની બાજુમાં આવેલા હાલોલ નગર પાલિકાની સરકારી જગ્યા ઉપર અનધિકૃત બાંધેલા કાચા પાક્કા મકાનો તેમજ દુકાનો ઉપર હાલોલ પાલિકા દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

હાલોલ નગર ખાતે છેલ્લા એક સપ્તાહથી નગર પાલિકા દ્વારા પાવાગઢ રોડ પર મુખ્ય રોડ ઉપર આવેલ ગેરકાયદેસર તેમજ જર્જરિત સરકારી ખાનગી દુકાનો મકાનોના ડિમોલિશનનો મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. હાલોલ નગર પાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકરની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સૌપ્રથમ તળાવ કિનારા ઉપર આવેલી નગર પંચાયત સમયે પંચાયત દ્વારા બનાવેલી 35 જેટલી દુકાનો, તેની સામે 15 જેટલી કાચી દુકાનો, ત્યારબાદ તળાવની સામેનું જર્જરિત પુરાણી શોપિંગ સેન્ટર, મંગળવારના રોજ ઢળતી સાંજે તળાવની બાજુમાં ચામુંડા માતાજીના મંદિરની બહાર આવેલ દુકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

પાલિકાના મુખ્ય અધિકારી ના જણાવ્યા મુજબ આજે હાલોલ ના પાવાગઢ રોડ પર કોર્ટની બાજુમાં હાલોલ નગર પાલિકાની માલિકીની રેવન્યુ સર્વે નંબર 529 વાળી જમીન ઉપર સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી વગર અનધિકૃત રીતે લોકોએ બાંધેલા કાચા પાકા મકાનો તેમજ દુકાનો તોડવા પોલીસ બંદોબસ્ત સાથે હાલોલ નગર પાલિકાની મુખ્ય અધિકારીની ટીમ તે જગ્યા ઉપર પહોંચતા અફડા તફડી મચી ગઈ હતી. જોકે દબાણકર્તાઓ એ પોતાનો સામાન ખસેડી લેતા તેના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. છેલ્લા એક સપ્તાહથી પાલિકા દ્વારા થતી કામગીરીને લઇ મુખ્ય રોડ પર આવેલા જર્જરિત મકાનો તેમજ ગેરકાયદેસર દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.