Bodeli

પાવાગઢ દુર્ઘટનામાં દિલીપભાઈ કોળીના મૃત્યુથી બોડેલીનું મોતીપુરા ગામ શોકમય થયું

જુવાનજોધ પત્ની ઇન્દુબેને પોતાનો સુહાગ ગુમાવ્યો, યુવાનના 11 વર્ષના પુત્ર ધૃતિક અને નવ વર્ષની પુત્રી સુહાનીએ પિતાની છત્રછાયા ગુમાવી…..
બોડેલી: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નાનકડા મોતીપુરા ગામના યુવાનનું પાવાગઢ રોપવે દુર્ઘટનામાં મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ પાવાગઢ રોપ વે દુર્ઘટનામાં મોતને ભેટનાર દિલીપભાઈ નવલસીંગભાઇ કોળીના બોડેલી તાલુકાના ખોબલા જેવડા મોતીપુરા ગામે માતમ છવાયો હતો.

શુક્રવારના રોજ જ દિલીપભાઈ પોતાના ઘરે આવ્યા હતા અને રાત રોકાઈ બીજા દિવસે શનિવારે સવારે 11:00 કલાકે પાવાગઢ જવા માટે નીકળ્યા હતા. તેઓના પરિવારજનોને અને ગ્રામજનોને અને મિત્રોને ક્યાં એવી ખબર હતી કે દિલીપભાઈ આજે સૌને મળીને જઈ રહ્યા છે તેઓ આ ગોઝારી દુર્ઘટનામાં મોતને ભેટશે દિલીપભાઈ પાવાગઢ ખાતે પાછલા પાંચ છ વર્ષથી નિજ મંદિર ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકેની ફરજ બજાવતા હતા.

ગઈકાલ બપોરે જયારે દિલીપભાઈના મૃત્યુની ખબર આવી ત્યાર થી આ ખોબલા જેવડા ગામમાં કોઈના ઘરે ચૂલા સળગ્યા નથી અને સમગ્ર ગામ માતમમાં ગરકાવ થઈ ગયું હતું . રાત્રે 12:00 કલાકે હાલોલની સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં જ્યારે દિલીપભાઈ ની ડેડ બોડી આવી તે સમયે સમગ્ર ગામ તેઓના ઘરે એકત્રિત થયેલું હતું અને બોડી આવતાની સાથે આખું ગામ હિબકે ચડ્યું હતું અને પરિવારજનો પણ ભારે આક્રંદ સાથે રુદન કરતા નજરે પડ્યા હતા.

આજરોજ રવિવારે પાવાગઢ માલવાહક રોપ વે દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દિલીપભાઈની બપોરે 12 કલાકે અંતિમયાત્રા નીકળી હતી. અંતિમયાત્રામાં પણ આસપાસના ગામોના તેમજ સગા સંબંધીઓ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ દુખદ ઘટનાથી સમગ્ર ગામ સહિત આસપાસના ગામના રહીશો તેમજ સગા સંબંધીઓમાં ગમગીની છવાઈ હતી


તસવીર: ઝહીર સૈયદ, બોડેલી

Most Popular

To Top