Halol

પાવાગઢ કાલિકા માતાજી મંદિર ખાતે ચાલી રહેલા મહાયજ્ઞમાં 6 કરોડ મંત્ર આહુતિ પૂર્ણ

હાલોલ | તા. 05
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન શ્રી કાલિકા માતાજી મંદિર શક્તિપીઠમાં તારીખ 15 જાન્યુઆરી 2026થી શરૂ થયેલા 24 કરોડ મંત્ર આહુતિ મહાયજ્ઞમાં આજે તારીખ 5 ફેબ્રુઆરી 2026ના રોજ સવાર સુધીમાં 6 કરોડ મંત્રોની આહુતિ પૂર્ણ કરવામાં આવી છે.
મહાકાલી માતાના પાવન સાનિધ્યમાં ચાલી રહેલા આ ભવ્ય મહાયજ્ઞમાં પાવાગઢ ખાતે નિર્મિત નવીન યજ્ઞશાળામાં 24 કલાક અવિરત મંત્રોચ્ચાર સાથે આહુતિ આપવામાં આવી રહી છે. આ મહાયજ્ઞમાં દેશભરમાંથી આવેલા ભાવિક ભક્તો ઉપરાંત મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ, પોલીસ તંત્ર, વિવિધ સેવાભાવી સંસ્થાઓ, વરિષ્ઠ નાગરિકો, રાજકીય આગેવાનો તેમજ સંત-મહંતો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.
પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, આજ સવાર સુધીમાં મહાયજ્ઞ અંતર્ગત કુલ 6 કરોડ મંત્ર આહુતિ સંપન્ન થઈ ચૂકી છે. આ પાવન યજ્ઞમાં હજી પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાઈ રહ્યા છે અને આધ્યાત્મિક લાભ લઈ રહ્યા છે.
આ મહાયજ્ઞ પાવાગઢની આધ્યાત્મિક પરંપરાને વધુ પ્રભાવશાળી બનાવતા ભક્તિભાવ, શ્રદ્ધા અને સામૂહિક સાધનાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે.

રિપોર્ટર: યોગેશ ચૌહાણ

Most Popular

To Top