Vadodara

પાવાગઢમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું વિશેષ ચેકિંગ અભિયાન, અખાદ્ય સામગ્રીનો નાશ

₹3,429ની એક્સપાયર ખાદ્ય સામગ્રીનો સ્થળ પર નાશ, 31 પેઢીઓની તપાસ

હાલોલ |

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પંચમહાલ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું. પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પાવાગઢ તળેટી તથા ડુંગર વિસ્તારમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી કુલ 31 પેઢીઓની તપાસ કરી હતી.

તપાસ દરમિયાન કુલ 21 ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેને સરકારી પ્રયોગશાળામાં પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા છે. નમૂનાઓના રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ નિયમ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે.

આ અભિયાન દરમિયાન વેપારીઓને સ્વચ્છતા, ફૂડ સેફ્ટી તથા હાઇજીનિક ફૂડ હેન્ડલિંગના નિયમોનું પાલન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન વિવિધ મસાલા, સોસ, પાપડ સહિત કુલ રૂપિયા 3,429 કિંમતની એક્સપાયર થયેલી ખાદ્ય ચીજવસ્તુઓ મળી આવતા તેને સ્થળ પર જ નાશ કરવામાં આવી હોવાનું અધિકારીક યાદીમાં વધુમાં જણાવાયું છે.

Most Popular

To Top