Halol

પાવાગઢ ભદ્રકાલી માતાના મંદિરે જવાના રસ્તા પર એક યુવક અચાનક ખીણમાં ખાબક્યો….

ખીણમાં પડેલા યુવકનો આબાદ બચાવ
ભદ્રકાલી માતાના દર્શન માટે જતા માર્ગમાં અકસ્માત, ફાયર ટીમ અને પોલીસની સતર્ક કામગીરીથી જીવ બચ્યો

હાલોલ:
ચૈત્રી નવરાત્રી નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન માટે ઉમટી રહ્યા છે. આવા ધાર્મિક માહોલ વચ્ચે આજે ભદ્રકાલી માતાના દર્શન કરવા જતા માર્ગ પર એક યુવક ખીણમાં પડી જવાની ઘટના બનતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, ભદ્રકાલી માતાના મંદિરે જવાના રસ્તા પર એક યુવક અચાનક ખીણમાં ખાબક્યો હતો. ઘટનાની જાણ થતા આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ હાલોલ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

મહેનતભર્યા પ્રયાસો બાદ યુવકને ખીણમાંથી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ તરત જ 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
યુવકની ઓળખ પરમાર તૃષારકુમાર અરવિંદભાઈ (ઉંમર 22 વર્ષ), રહે. વડતાલ, તા. જી. આણંદ તરીકે થઈ છે. જરૂરી સારવાર બાદ યુવકની તબિયત સુધરતા તેને રજા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર ઘટનામાં ફાયર ટીમ અને પોલીસ તંત્રની ઝડપી અને સરાહનીય કામગીરીના કારણે યુવકનો આબાદ બચાવ શક્ય બન્યો હતો.

રિપોર્ટર: યોગેશ ચૌહાણ

Most Popular

To Top