પાવાગઢ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા
સુપ્રસિદ્ધ યાત્રાધામ અને 51 શક્તિપીઠો પૈકીના એક શક્તિપીઠ ગણાતા પાવાગઢ ખાતે ડુંગર પર આવેલા શ્રી મહાકાળી માતાજીના મંદિરમાં ગત મોડી રાત્રીના રોજ ઇતિહાસમાં પ્રથમવાર ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં આજે સોમવારે વહેલી સવારના સુમારે મહાકાળી માતાજીના મંદિરના પૂજારી મંદિરમાં પૂજા કરવા ગયા હતા ત્યારે ગર્ભ ગૃહમાં આવેલા માતાજીના દરવાજાના સ્ટીલના વેન્ટિલેશનના સ્ક્રુ ખુલ્લા પડેલા નજરે પડ્યા હતા . કોઈ વ્યક્તિએ બળજબરી મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી મંદિરમાં ચોરી કરવા ઘૂસવાનો નિષ્ફળ પ્રયાસ થયો હોવાનું પ્રાથમિક તબક્કે જોવા મળ્યું હતું. જેને લઈને પુજારી દ્વારા તાત્કાલિક મંદિરના મેનેજરને જાણ કરવામાં આવતા મંદિરના મેનેજરે માં કાલિકા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓને જાણ કરતા ટ્રસ્ટીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર બનાવ અંગેની જાણ તાત્કાલિક પાવાગઢ પોલીસને કરી હતી. પાવાગઢ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મંદિર ખાતે તપાસ હાથ ધરી હતી. જેમાં સૌપ્રથમ મંદિરમાં તમામ ચીજ વસ્તુઓની તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસની તપાસ દરમિયાન પણ પ્રાથમિક તબક્કે કોઇ અજાણી વ્યક્તિએ મંદિરમાં ચોરી કરવાના ઇરાદે ઘૂસી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. તેમ છતાં પણ પોલીસે તમામ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરી કઈ વ્યક્તિએ મંદિર ખાતે મંદિરમાં ઘૂસી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો તેના પુરાવાઓ મેળવી તપાસ હાથ ધરી છે. હાલ પૂરતી પોલીસ મથકે ચોરીના પ્રયાસની ફરિયાદ નોંધી હોવાનું જાણવા મળે છે.
સમગ્ર બનાવ અંગે માં કાલિકા માતા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી વિનોદભાઈ વરીયાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે મંદિરમાંથી કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુઓની ચોરી થવા પામી નથી. માત્રને માત્ર કોઈ અજાણી વ્યક્તિએ મંદિરમાં ઘુસી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. મહાકાળી માતાજીના મંદિર ખાતે જે ચોરી થઈ હોવાની અફવા લોકોમાં ફેલાઈ રહી છે તે સદંતર ખોટી છે અને આજે આ ઘટના વચ્ચે પણ રાબેતા મુજબ વહેલી સવારથી જ મંદિર ખાતે યાત્રિકોનો ઘસારો યથાવત રહેવા પામ્યો છે. રાબેતા મુજબ જ મંદિર ખાતે મહાકાળી માતાજીના દર્શન ભક્તજનોને કરાવવામાં આવી રહ્યા છે. જેની લઈને કોઈએ પણ કોઈપણ જાતની અફવા નહિ ફેલાવવા વિનંતી કરાઇ છે. જ્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ આ બાબતની માહિતી મેળવી મંદિર ખાતે ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરાયો હોવાની માહિતી આપી છે.