હરાજીમાં ભાગ લેવા માટે 50 હજાર ડિપોઝિટ ફરજિયાત; પ્લોટ અને શરતો અંગે પાલિકા કચેરી અને વેબસાઈટ પરથી વિગત લેવાની રહેશે

દિવાળીના તહેવારોને પગલે વડોદરા શહેરમાં ફટાકડાના હંગામી સ્ટોલ માટે મહાનગરપાલિકા દ્વારા જાહેર હરાજી યોજાનારી છે. પાલિકા હસ્તકના પ્લોટ પર નક્કી કરેલ માપની જગ્યા નિયત સમયગાળા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ તહેવારો દરમિયાન ફટાકડાનું વેચાણ નિયંત્રિત અને સુવ્યવસ્થિત થઈ શકે તે માટે વડોદરા મહાનગરપાલિકાએ પોતાની ટીપી સ્કીમના ફાઇનલ પ્લોટમાં જગ્યા ફાળવવાનો નિર્ણય લીધો છે. આ અંગે લાઇસન્સ ફી ભરવા આધારે અરજીઓ મંગાવવામાં આવી છે અને પ્લોટ ફાળવણી જાહેર હરાજીથી થશે.
જાહેર હરાજીમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ તા. 17મી સપ્ટેમ્બર બપોરે 3 વાગ્યા સુધી ડિપોઝિટ રકમ ભરવાની રહેશે. નક્કી કરેલ ડિપોઝિટ રકમ રૂપિયા 50 હજાર રાખવામાં આવી છે.
હરાજી અંતર્ગત મળનારા દરેક પ્લોટ દીઠની ડિપોઝિટ રકમ, પ્લોટ નંબર, જગ્યાનું માપ, અપસેટ વેલ્યુ તેમજ અન્ય નિયમો અને શરતોની વિગત મહાનગરપાલિકાના જમીન મિલકત શાખા કચેરીમાં ઓફિસ સમય દરમિયાન મેળવી શકાય છે. આ ઉપરાંત હરાજી સંબંધિત વિગતો તથા માહિતી પાલિકાની અધિકૃત વેબસાઈટ પર પણ ઉપલબ્ધ રહેશે.
ફટાકડા વેચાણ માટેની જગ્યા ફાળવવામાં નિયમિતતા રહે, અંધાધૂંધી ટળે અને જાહેર વ્યવસ્થા જળવાઈ રહે તે દૃષ્ટિએ મહાનગરપાલિકા દ્વારા જણાવ્યું હતું.