Vadodara

પાલિકા દ્વારા અપાતું પાણી પીવા માટે તો નઈ પણ,અન્ય કામોના ઉપયોગમાં લઇ શકાય તેમ પણ નથી…

પૂરના પાણી ઓસર્યા બાદ શહેરના પૂર્વ વિસ્તારમાં દુર્ગંધયુક્ત ગંદા પાણીથી લોકો પરેશાન

વેરો ભરતી જનતાને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ

શહેરના પૂર્વ વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા ટાંકીઓમાંથી વિતરણ કરવામાં આવતું પાણી છેલ્લા કેટલાક દિવસથી દુર્ગંધયુક્ત આવતા લોકો ત્રાહિમામ પોકારી ગયાં છે.

શહેરમાં ગત સોમવારથી ત્રણ દિવસ સુધી વડોદરા શહેરમાં કુદરતી અને માનવસર્જિત પુરની સ્થિતિ સર્જાઇ હતી ચોથા દિવસથી પૂરના પાણી ઓસરી ગયાં છે. ત્રણ દિવસ પૂર દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં પીવાના, વાપરવાના પાણીની સમસ્યા સર્જાઇ હતી તે માની શકાય છે પરંતુ હવે જ્યારે પૂરની સ્થિતિના છ દિવસ બાદ પણ શહેરના પૂર્વ વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા ટાંકી, નાલંદા પાણીની ટાંકી, બાપોદ પાણીની ટાંકીઓમાંથી વિતરણ કરવામાં આવતું પાણી એટલું તો દુર્ગંધયુક્ત છે કે તેને પીવાની વાત તો દૂર રહી લોકો ન્હાવા, કપડાં ધોવા, વાસણ ધોવા કે ઘરમાં પોતું લગાવવા પણ ઉપયોગમાં લઇ શકે તેમ નથી. પાલિકા તંત્ર દ્વારા વેરો ભરતી જનતાને પ્રાથમિક સુવિધાઓ જેવી કે, સારા અને રખડતાં પશુમુક્ત રોડરસ્તાઓ, પીવાનું શુધ્ધ અને પૂરતું પાણી પણ ઉપલબ્ધ કરાવી શકતું નથી એટલી હદે નિષ્ફળ રહ્યું છે. સવારે તથા પૂર્વ વિસ્તારોમાં અલગ અલગ વિસ્તારમાં વિતરણ કરવામાં આવતું પાણી એટલું દુર્ગંધ વાળું આવી રહ્યું છે કે હાથમાં પાણી લીધા બાદ પણ હાથમાંથી દુર્ગંધ આવતી હોય છે. ભૂલથી ઘરમાં પોતું લાગી જાય તો પણ ઘરમાં ડ્રેનેજ જેવી દુર્ગંધ આવે છે પરિણામે પૂર્વ વિસ્તારમાં લોકો વેચાતું પાણી જગ તથા ટેન્કર મંગાવવા તંત્રના પાપે મજબૂર બન્યા છે. એક તરફ લોકોએ પૂરપ્રકોપને કારણે ઘરમાં ઘણું નુકસાન જેમાં ઘરવખરી,વિજ ઉપકરણો, ફર્નિચર, રાશન, પુસ્તકો ગાદલાં ચાદરો સુધ્ધાં વેઠ્યા છે જનતાને આ બધામાંથી ઉગરતા આગામી પાંચ થી દસ વર્ષ લાગશે ત્યાં બીજી તરફ પાણી વેચાતું લેવાની નોબત પાલિકા તંત્રના પાપે આવી છે. આવા સંજોગોમાં જે લોકો રોજનું લાવી રોજ ખાઇ રહ્યાં છે તેઓ માટે દરરોજના વેચાતા પાણીના જગ ખરીદવા મુશ્કેલ છે અને જો આ દુર્ગંધયુક્ત પાણી પીશે તો બિમારીનો ભોગ બનવું પડશે અને દવા પાછળ ખર્ચા કરવું પડશે. પાલિકા તંત્ર ચોમાસામાં ગંદા પાણીને શુધ્ધ કરવા પાછળ બજેટમાં લાખ્ખો રૂપિયાની જોગવાઇ કરે છે તો વેરો ભરતી જનતાને શા માટે પીવાનું શુધ્ધ પાણી ઉપલબ્ધ નથી કરાવતું શા માટે લોકોને બિમાર પડવા અથવાતો મરવા માટે મજબૂર કરી રહી છે? લોકોમાં વિકાસના બણગાં ફૂંકતા રાજકીય નેતાઓ અને પાલિકા તંત્રના અધિકારીઓ, શાસકો પ્રત્યે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top