Vadodara

પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું

ફતેગંજ-કાલાઘોડા માર્ગની ખરાબ હાલત: નાગરિક સમિતિના આગેવાનોએ પાલિકા વિરુદ્ધ પ્રદર્શન કરતા પોલીસે કરી અટકાયત; ‘પોલીસ કાર્યવાહી ગેરવ્યાજબી’ જણાવી

વડોદરા: શહેરના વોર્ડ નંબર 1, 2 અને 3ના નાગરિકોની લાંબા સમયથી પ્રભાવી રહેલી મુખ્ય રોડની માંગણી પૂરી ન થતાં આખરે સ્થાનિકોએ રવિવારે નાગરિક સમિતિના કાર્યકર રોનક પરીખ સાથે મળીને અનોખો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજ્યો હતો. પાલિકા દ્વારા વારંવાર રજૂઆત છતાં કામગીરી ન થતાં નાગરિકોએ જાતે જ રોડનું પ્રતિકાત્મક ખાતમુહૂર્ત કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો, જોકે પોલીસે વિરોધ કરી રહેલા સામાજિક કાર્યકર રોનક પરીખ અને સમિતિના આગેવાનોની અટકાયત કરી હતી.

સમિતિના કાર્યકર રોનક પરીખ અને ત્રણેય વોર્ડના સ્થાનિક નાગરિકો ફતેગંજ પેટ્રોલ પંપ પાસે ઓવરબ્રિજ નીચે એકઠા થયા હતા. ત્યાં મંડપ બાંધી, પૂજા-વિધિ સાથે રોડનું ખાતમુહૂર્ત કરીને તેમણે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રોનક પરીખ અને સ્થાનિકોએ આ દરમિયાન પાલિકા તેમજ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને પાલિકાના તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા.

રોનક પરીખે જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાય સમયથી ફતેગંજથી કાલાઘોડા સુધીનો માર્ગ અત્યંત ખરાબ હાલતમાં છે. અનેકવાર મૌખિક તેમજ લેખિત ફરિયાદ કરી હોવા છતાં પાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી.” ખરાબ રસ્તાના કારણે સર્જાતી સમસ્યાઓ અંગે તેમણે જણાવ્યું હતું કે, માર્ગ એટલો બધો બિસ્માર છે કે, દ્વિચક્રી વાહનચાલકો રસ્તા પર પટકાય છે અને ઇજાઓ પામે છે. માત્ર ખાડા જ નહીં, પરંતુ રસ્તાની ધૂળ પણ એટલી ઉડે છે કે વાહનચાલકો અને રાહદારીઓ બંનેને ગંભીર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
​”આટલી ગંભીર ફરિયાદો છતાં પાલિકાની ઊંઘ ઊડતી નથી. તંત્રનું ધ્યાન દોરવા માટે જ આજે અમે શાંતિપૂર્ણ રીતે આ ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખ્યો હતો,” તેમ પરીખે ઉમેર્યું હતું.

જોકે, આ શાંતિપૂર્ણ કાર્યક્રમને પોલીસે અટકાવી દીધો હતો. અને મંડપ પાલિકા એ જપ્ત કર્યો હતો, અને સામાજિક કાર્યકર રોનક પરીખ અને સમિતિના આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી.
​પોલીસ કાર્યવાહીનો વિરોધ કરતાં રોનક પરીખે આક્ષેપ કર્યો હતો કે, “અમારી અટકાયત ગેરવ્યાજબી છે. આ કામ કોઈના ઇશારે રોકવામાં આવ્યું છે, જે તદ્દન ખોટું છે. લોકોની સુવિધા માટેના શાંતિપૂર્ણ વિરોધને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.”
​સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ વહેલી તકે નહીં સંતોષાય, તો તેઓ આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન માટે તૈયાર છે.

Most Popular

To Top