Vadodara

“પાલિકાનો બાળમેળો કે ચોરોનો અડ્ડો? કમાટીબાગમાં 30 થી 40 મોબાઇલ ઉઠી ગયા!”

સંસ્કારી નગરી વડોદરાની ઓળખ સમાન કમાટીબાગ ખાતે મહાનગરપાલિકા દ્વારા આયોજિત બાળમેળામાં સુરક્ષાની ગંભીર બેદરકારી સામે આવી છે. મેળામાં ઉમટેલી ભારે ભીડનો લાભ લઈ મહિલા સહિતની ચોર ગેંગ બિન્દાસ્ત રીતે ફરી રહી હતી અને લોકોના પર્સ તથા ખિસ્સામાંથી મોબાઇલ ફોન ચોરીને ભીડમાં ફરાર થઈ જતી હતી.

મળતી માહિતી મુજબ, મેળામાં 30થી 40 જેટલા લોકોના મોબાઇલ ચોરી ગયા હોવાનું એક પીડિત મહિલાએ જણાવ્યું હતું. બનાવ બાદ કેટલાક લોકોએ પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે ઘણા પીડિતો રડતા-રડતા ફરિયાદ કર્યા વિના જ ઘરે પરત ફર્યા હતા.
કમાટીબાગ ખાતે યોજાયેલા આ બાળમેળામાં દરરોજ મોટી સંખ્યામાં બાળકો અને તેમના પરિવારજનો ઉમટી રહ્યા હતા. લોકો મનોરંજન માણી રહ્યા હતા, તે દરમિયાન ચોર ટોળકી સક્રિય બની હતી. ભીડમાં મહિલા ચોરો ખાસ કરીને લટકાવેલા પર્સ અને ખિસ્સાને નિશાન બનાવી રહ્યા હતા. સીસીટીવી કેમેરા હોવા છતાં ચોરો જાહેરમાં બેફામ રીતે ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે.
પીડિત દર્શના જોશી નામની મહિલાએ જણાવ્યું હતું કે, “હું મારી બહેન અને તેમની દીકરી સાથે સાંજના સમયે બાળમેળામાં આવી હતી. અમે ફૂડ કાઉન્ટર તરફ જઈ રહ્યા હતા ત્યારે ભારે મિસ મેનેજમેન્ટ જોવા મળ્યું. વોલન્ટિયરોની કોઈ સ્પષ્ટ વ્યવસ્થા ન હતી.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “એક યુવતીએ ભીડનો લાભ લઈ મારા લટકાવેલા પર્સમાંથી મોબાઇલ ચોરી લીધો અને ઓઢણીમાં છુપાવી દીધો. બાદમાં મેં સીસીટીવી કમાન્ડ રૂમમાં તપાસ કરી, જ્યાં લગભગ 40 જેટલા લોકો મોબાઇલ ચોરીના ફૂટેજ જોવા માટે આવ્યા હતા.”
દર્શના જોશીના જણાવ્યા મુજબ, તેમના પુત્રએ સીસીટીવી ફૂટેજ તપાસતા એક યુવતી મોબાઇલ ચોરી કરતી નજરે પડી હતી. ત્યારબાદ તેમના પુત્રએ તે યુવતીને પકડી પોલીસ સ્ટેશન પહોંચાડી હતી, પરંતુ આરોપી યુવતી ગુનો કબૂલ કરવા તૈયાર નહોતી.

બાળમેળામાં થયેલી આ ઘટનાઓએ પાલિકાની સુરક્ષા વ્યવસ્થા અને આયોજન પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

Most Popular

To Top