Vadodara

પાલિકાનું ‘ફ્યુઅલ ફેલ્યોર’: ડીઝલના ફાંફા પડતા 436 વાહનોના પૈડાં જામ, એન્જિનિયરિંગ કામોના વળતા પાણી

વહીવટી તંત્રનું નબળું આયોજન: ઈંધણ ખૂટી પડતાં કોર્પોરેશનના સેંકડો વાહનો ડેપોમાં શોભાના ગાંઠિયા બન્યા

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી અથવા આયોજનના અભાવે પાલિકાના વાહન વ્યવહાર વિભાગમાં મોટું સંકટ ઊભું થયું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ડીઝલનો જથ્થો ખૂટી પડતાં કોર્પોરેશનના અંદાજે 436 જેટલા વાહનોના પૈડાં થંભી ગયા છે. ઈંધણના અભાવે આટલી મોટી સંખ્યામાં વાહનો ડેપોમાં જ પડ્યા રહેતા પાલિકાના અનેક મહત્વના કામો પર તેની સીધી અસર જોવા મળી રહી છે.
​મળતી વિગતો અનુસાર, પાલિકાના એન્જિનિયરિંગ વિભાગ હેઠળ આવતા વિવિધ પ્રોજેક્ટ્સ અને જાળવણીના કામો માટે વપરાતા વાહનોને ડીઝલ ન મળતા આજે સવારથી જ કામગીરી પ્રભાવિત થઈ છે. ખાસ કરીને રસ્તાના સમારકામ, ડ્રેનેજ લાઈનની કામગીરી અને અન્ય સિવિલ કામોમાં વપરાતા ભારે મશીનરી અને વાહનો અટકી પડ્યા છે. આ સ્થિતિને કારણે શહેરના વિકાસકામો અને રોજિંદી ફરિયાદોના નિકાલમાં વિલંબ થવાની ભીતિ સેવાઈ રહી છે.

જોકે, આ કટોકટી વચ્ચે રાહતના સમાચાર એ છે કે વડોદરા શહેરની સફાઈ કામગીરીને આ સમસ્યાથી દૂર રાખવામાં આવી છે. તંત્ર દ્વારા પ્રાથમિકતાના ધોરણે સફાઈના વાહનો માટે જરૂરી ઈંધણની વ્યવસ્થા કરવામાં આવી હોવાથી શહેરના કચરાના નિકાલ અને ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી અટકી નથી, જેના કારણે નાગરિકોને ગંદકીનો સામનો કરવો પડ્યો નથી.

કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, ડીઝલના પુરવઠામાં ટેકનિકલ અથવા પેમેન્ટના પ્રશ્ને આ અછત સર્જાઈ હોઈ શકે છે. હાલમાં તંત્ર દ્વારા નવા જથ્થા માટેના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે અને ઉચ્ચ અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. પાલિકાના વહીવટી તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં જ ડીઝલનો નવો જથ્થો આવી પહોંચશે, ત્યારબાદ તમામ 436 વાહનો ફરીથી કાર્યરત થશે અને સ્થિતિ સામાન્ય બની જશે. પરંતુ, આ ઘટનાએ પાલિકાના આગોતરા આયોજન સામે અનેક સવાલો ઊભા કર્યા છે.

Most Popular

To Top