સ્થાયી સમિતિની બેઠકમાં 36 કામોની દરખાસ્ત રજૂ, 2 નામંજૂર, 2 મુલતવી
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 36 કામોની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેમાંથી 2 કામ નામંજૂર કરાયા હતા, જ્યારે 2 કામ મુલતવી રાખવામાં આવ્યા હતા. આ બેઠકમાં શહેરના વિવિધ વિકાસકમો અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. ખાસ કરીને અબાકસ સર્કલ ફ્લાયઓવર અને પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળના મકાનના વધારાના ખર્ચને લઈને ચર્ચા-વિવાદ થયા હતા. સંકલન બેઠકમાં અબાકસ સર્કલ ફ્લાયઓવરને લઈને સભ્યોમાં ભારે વિવાદ થયો હતો.
અબાકસ સર્કલ ફ્લાયઓવરમાં ખર્ચ વધતાં દરખાસ્ત નામંજૂર
સમા વિસ્તારના અબાકસ સર્કલ પર નવું ફ્લાયઓવર બનાવવાની યોજનાને લઈને આજે યોજાયેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટની મૂળ કિંમત અંદાજે રૂ.42.85 કરોડ હતી, જે હવે રૂ.56.56 કરોડ સુધી પહોંચી ગઈ છે, એટલે કે 32% વધારાનો ખર્ચ થવાનો હતો. આ ઉપરાંત, જો આ બ્રિજ હયાત ઊર્મિ બ્રિજ સાથે જોડવામાં આવે તો કુલ ખર્ચ રૂ.120 કરોડ સુધી જઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. સ્થાયી સમિતિના સભ્યો વચ્ચે આ પ્રસ્તાવ અંગે તીવ્ર મતભેદ જોવા મળ્યા હતા. કેટલાક સભ્યોએ અબાકસ સર્કલથી હાઈવે સુધી બ્રિજ લંબાવવાની માંગણી કરી હતી, જેથી ટ્રાફિકની સમસ્યા હલ થાય. જ્યારે 9 સભ્યોએ જૂની ડિઝાઈન મુજબ બ્રિજ બનાવવા ટેકો આપ્યો હતો, 8 સભ્યો નવી ડિઝાઈનના સમર્થક હતા. બહુમતી જૂની ડિઝાઈનના પક્ષમાં હોવાથી આ પ્રસ્તાવને નામંજૂર કરી દેવામાં આવ્યો. દરખાસ્ત નામંજૂર થતાં હવે પાલિકાને વધારાનો ખર્ચ નહીં કરવો પડે.
PMAY હેઠળ 1067 મકાનના વધારાના ખર્ચ પર વિવાદ, કામ મુલતવી
પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ ભાયલી, સેવાસી અને બીલ વિસ્તારમાં આર્થિક રીતે નબળા વર્ગ માટે 1067 મકાન બનાવવામાં આવ્યા છે. આ માટે વધારાના ખર્ચ તરીકે રૂ.18.25 કરોડની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. બેઠક દરમિયાન કેટલાક સભ્યોએ આ ખર્ચને મહાનગરપાલિકાની નબળી આવક અને અન્ય મુદ્દાઓ ટાંકીને પ્રશ્નાત્મક ગણાવ્યું હતું. કેટલાક સભ્યોનું માનવું છે કે, રાજ્ય અથવા કેન્દ્ર સરકાર પાસેથી આ ખર્ચ માટે ફંડની માંગ કરવામાં આવે, જેથી પાલિકા પર કોઈ વધારાનો આર્થિક બોજ ન પડે. વિપક્ષે પણ આ મુદ્દે તેમનો વિરોધ નોંધાવ્યો હતો. પૂર્વ વિપક્ષ નેતા અમિ રાવતે સ્થાયી સમિતિના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીને પત્ર લખી આ ખર્ચ યોગ્ય નીતિ અપનાવવાની માંગ કરી હતી. જોકે આગામી સમયમાં મોટી સંકલનમાં આ કામને લઈને ફરી ચર્ચા કરવામાં આવનાર છે.
BRONTO SKYLIFT મરામત મુદ્દે ફરી વિવાદ, રૂ. 45.95 લાખની દરખાસ્ત સ્થગિત
અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ વિભાગ માટે અત્યંત મહત્વપૂર્ણ “BRONTO SKYLIFT” મેક 44 મીટર ઊંચાઈવાળું હાઇડ્રોલીક એલીવેટેડ પ્લેટફોર્મ વાહન હાલમાં ખરાબ સ્થિતિમાં છે. તેની દુરસ્તી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ.45.95 લાખના ખર્ચની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ ફરી એકવાર રજૂ કરવામાં આવી હતી. આ વખતે પણ વિવાદ સર્જાતા સમિતિએ કામ મુલતવી રાખ્યું છે. BRONTO SKYLIFTના રીપેરિંગ માટે રૂ. 45.95 લાખની અંદાજીત રકમનો એસ્ટિમેટ આપવામાં આવ્યો હતો. આમાં સ્પેર પાર્ટ્સ, સર્વિસિંગ, જાળવણી અને મરામતનો ખર્ચ સમાવિષ્ટ છે. મહત્વપૂર્ણ વાત એ છે કે, વિભાગ દ્વારા અન્ય કોઈ ટેન્ડર બહાર મૂકવામાં આવ્યું નહીં અને સીધું જ એક ડીલરને કામ સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મુદ્દે કેટલાક સભ્યોએ વિરોધ નોંધાવ્યો અને ખરીદ અને મરામત પ્રક્રિયાની પારદર્શિતાને લઈને પ્રશ્નો ઊઠાવ્યા. પરિણામે, સ્થાયી સમિતિએ આ દરખાસ્તના કામને ફરી એકવાર મુલતવી રાખ્યું છે.
