વિપક્ષે મંજૂર થયેલા કામોને ‘નાટક’ ગણાવતાં સત્તા પક્ષે માફી અને શબ્દો પાછા ખેંચવાની કરી માંગ
એક સમયે સભામાં તણાવનું વાતાવરણ વધ્યું હતું
ટેન્કરથી પાણી વિતરણમાં બેદરકારી, અધિકારીઓના વર્તન અને કામોની મંજૂરીને લઈને સભામાં ગરમાગરમી; સત્તા પક્ષે વિપક્ષના શબ્દો પાછા ખેંચવાની કરી માંગ

વડોદરા મહાનગર પાલિકામાં આજે મળેલી સામાન્ય સભા તોફાની બની ગઈ હતી. સભાની શરૂઆતમાં જ વિવિધ વિકાસ કામોની મંજૂરી આપવામાં આવતા વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષે આ કામોને માત્ર દેખાવટ ગણાવીને, કામગીરીને ‘નાટક’ ગણાવી વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષના અમી રાવતે પણ સભાની કામગીરીને નાટક ગણાવીને કડક નિવેદન આપતાં સભામાં તણાવ સર્જાયો હતો.

સભા દરમિયાન જહાં ભરવાડે ટેન્કરથી પાણી વિતરણમાં બેદરકારી અંગે ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “ટેન્કરથી પૂરતું પાણી મળતું નથી, અને અનેક વિસ્તારોમાં લોકો પાણી માટે હેરાન થાય છે.” તેમણે વધુમાં અધિકારીઓની કામગીરી પર પણ સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, “અધિકારીઓ ફોન નથી ઉઠાવતા અને યોગ્ય જવાબ પણ આપતા નથી.”
આ મુદ્દે મનીષ પગારે જણાવ્યું હતું કે, “અધિકારીઓ અમારું કામ તો કરે છે, પણ અધિકારીઓ સાથે સંબંધ રાખવા પડે.” તેમના આ નિવેદનથી સભામાં ચર્ચા વધુ ગરમાઈ હતી.
વિપક્ષના ‘નાટક’ શબ્દના ઉપયોગ પર ભાજપના તમામ નગરસેવકો એકસાથે ઊભા રહી ગયા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો. સત્તા પક્ષે વિપક્ષને માફી માગવા અને અપમાનજનક શબ્દો પાછા ખેંચવાની માંગ કરી.
આ સમગ્ર ઘટનામાં સૌથી મોટી ચિંતાની બાબત રહી પાણી વિતરણની સમસ્યા અને અધિકારીઓની જવાબદારી. ઘણી વખત નાગરિકોને ટેન્કરથી પૂરતું પાણી મળતું નથી અને ફરિયાદ કરવા છતાં અધિકારીઓ યોગ્ય જવાબ આપતા નથી. પાલિકા સભામાં આ મુદ્દો ઉઠાવાતા હવે પાલિકા તંત્ર અને અધિકારીઓ સામે પણ જવાબદારી નિર્ધારિત કરવાની માંગ ઉઠી છે.
આમ, સામાન્ય સભામાં વિકાસ કામોની મંજૂરી, પાણી વિતરણ અને અધિકારીઓના વર્તન મુદ્દે ભારે ગરમાગરમી સર્જાઈ હતી અને આગામી દિવસોમાં આ મુદ્દાઓને લઈને વધુ ચર્ચા થવાની સંભાવના છે.