દીવાલ ફાટી, બુસ્ટરમાં લીકેજથી રોડ પર નદી વહેતી થઈ
( પ્રતિનિધિ ) વડોદરા, તા.16
વડોદરાના નવીધરતી વિસ્તારમાં આવેલા બુસ્ટરમાં થયેલા લીકેજના કારણે હજારો લિટર પીવાનું પાણી રોડ ઉપર વહી ગયું હતું. રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતા સમગ્ર વિસ્તારમાં પાણીની રેલમછેલ જોવા મળી હતી.
વાહનચાલકો અને સ્થાનિક લોકો પરેશાન

બુસ્ટરમાંથી પાણી લીક થતાં મુખ્ય રોડ પર પાણી ભરાઈ જવાથી વાહનચાલકો તેમજ સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અચાનક પાણી વહેતા ટ્રાફિક વ્યવસ્થામાં પણ ખલેલ પહોંચ્યો હતો.
બુસ્ટર નજીક શાળાઓ હોવાને કારણે મુશ્કેલી વધારી

નવીધરતી બુસ્ટરની નજીક જ બે શાળાઓ આવેલી છે. ઉપરાંત આ વિસ્તારમાં વિવિધ પાણી લાઈનોના વાલ્વ પણ મુકવામાં આવ્યા છે. અઠવાડિયે એકવાર લીકેજની સમસ્યા સર્જાતી હોવાના કારણે વારંવાર ખોદકામ કરવામાં આવે છે, જેના લીધે શાળાએ આવતાં-જતાં વિદ્યાર્થીઓ, વાલીઓ તથા સ્થાનિક જનતાને સતત મુશ્કેલી ભોગવવી પડે છે.
પાલિકાની બેદરકારીથી સમસ્યા યથાવત

મંગળવારે ફરી એક વખત બુસ્ટરમાં લીકેજ સર્જાતા હજારો લિટર પાણીનો વ્યય થયો હતો. વડોદરા શહેરમાં પાણીની લાઈનોમાં લીકેજની સમસ્યા હવે સામાન્ય બની ગઈ છે. એક તરફ પીવાના પાણીની તંગી સર્જાઈ રહી છે, ત્યારે બીજી તરફ પાલિકા તંત્રની બેદરકારીના કારણે પાણીનો ખુલ્લેઆમ વેડફાટ થતો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

—