છેલ્લા શેઠ પાર્ટી પ્લોટ પાસે મુખ્ય માર્ગ પર અંધારપટ અને ખુલ્લા ખાડાને કારણે અકસ્માત, સ્થાનિકોમાં પાલિકા વિરુદ્ધ ભારે ફિટકાર




વડોદરા: શહેરના પશ્ચિમ વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. છેલ્લા શેઠ પાર્ટી પ્લોટ પાસે મુખ્ય માર્ગ પર કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલો ખાડો યોગ્ય રીતે પૂરવામાં ન આવતા ગુરુવારે રાત્રે એક મોપેડ ચાલક અકસ્માતનો ભોગ બન્યો હતો. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ પાલિકાની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઘટનાની વિગતો મુજબ, તાંદલજા-સનફાર્મા રોડ પર છેલ્લા શેઠ પાર્ટી પ્લોટ પાસે મુખ્ય માર્ગ પર લાંબા સમયથી ખોદકામ કરવામાં આવ્યું હતું. ગુરુવારે રાત્રે આશરે 9:30 થી 10 વાગ્યાના અરસામાં રિજવાન સૈયદ નામના યુવક પોતાની સંસ્થાની મીટિંગમાં જઈ રહ્યા હતા ત્યારે અંધારામાં ખાડો ન દેખાતા તેમની મોપેડ સીધી ખાડામાં ખાબકી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ખાડાની બિલકુલ બાજુમાં આવેલી સ્ટ્રીટ લાઈટ પણ બંધ હાલતમાં હોવાથી વાહનચાલકને રસ્તાનો અંદાજ આવ્યો ન હતો.
અકસ્માત સર્જાતા જ આસપાસથી પસાર થતા રાહદારીઓ અને સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને મોપેડ ચાલકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. ભોગ બનનાર યુવકને ગોઠણ અને હાથના ભાગે ઈજાઓ પહોંચી છે તેમજ વાહનને પણ નુકસાન થયું છે. ઘટનાસ્થળે હાજર લોકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા જ વડોદરામાં ખાડાને કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોવા છતાં તંત્ર હજુ ઘોર નિદ્રામાં છે.
સ્થાનિકો આક્ષેપો કર્યા વીએમસી માત્ર ખાડા ખોદવામાં જ વિશ્વાસ રાખે છે, પરંતુ કામ પૂરું થયા પછી તેનું યોગ્ય પૂરાણ કરવામાં આવતું નથી. “વિકાસ ક્યાં છે? આવા ખાડાઓને કારણે અનેક લોકોના જીવ જઈ રહ્યા છે. શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે?” તેવા સવાલો પણ ઉઠાવ્યા હતા.
સ્થાનિકોની માંગ છે કે આ ‘ભ્રષ્ટાચારના ખાડા’ ને વહેલી તકે યોગ્ય રીતે પૂરવામાં આવે અને બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષનો જીવ ન જાય.