અકોટા સ્ટેડિયમની ફાળવણી રદ – સંચાલક જીતેન્દ્ર પટેલ અને હરજીતસિંહ સોઢી વિરુદ્ધ ગુનો નોંધાયો, નવરાત્રી મહોત્સવ પર અનિશ્ચિતતા
વડોદરા: વડોદરામાં અકોટા સ્ટેડિયમ ખાતે નવરાત્રી મહોત્સવની તૈયારી વચ્ચે આજે ગૂંચવણની પરિસ્થિતિ સર્જાઈ હતી. BITA ગ્રુપના સંચાલક દ્વારા પાલિકાના કર્મચારીને માર મારવાના બનાવની પાશ્વભૂમિએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને BITA ગ્રુપને અપાયેલી અકોટા સ્ટેડિયમની ફાળવણી રદ કરી દીધી છે.
રવિવારે અકોટા સ્ટેડિયમમાં વરસાદી પાણી ભરાતા કોર્પોરેશન તરફથી કૉરીડોઝ અને વેડીમીક્ષ લઈને ટ્રેક્ટર દ્વારા કર્મચારીઓને મોકલવામાં આવ્યા હતા. ગ્રાઉન્ડના પ્રવેશદ્વાર પાસે ખાડામાં પાણી ભરાયેલા હોવાથી ત્યાં સામગ્રી ખાલી કરવામાં આવી રહી હતી.
આ દરમ્યાન નવરાત્રિ મહોત્સવની તૈયારી કરી રહેલા BITA ગ્રુપના સંચાલક જીતેન્દ્ર પટેલ તથા હરજીતસિંહ સોઢી ત્યાં હાજર રહ્યા હતા. તેઓએ ટ્રેકટરનો માલ ખાલી ન કરવા કહી ઉપદ્રવ કર્યો હતો. આ વિવાદ દરમિયાન જીતેન્દ્ર પટેલે પાલિકાના જવાબદાર કર્મચારીને બે લાફા મારી દીધા હતા, ત્યારે હરજીતસિંહ સોઢીએ પણ ટ્રેક્ટર ડ્રાઇવરને બેફામ ગાળો ભાંડી હતી.
આ બનાવની જાણ થતા અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે BITA ગ્રુપ સંચાલક જીતેન્દ્ર પટેલ અને હરજીતસિંહ સોઢી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
મ્યુનિસિપલ કમિશનરને પણ બનાવની જાણ થતાં કોર્પોરેશન દ્વારા BITA ગ્રુપને અપાયેલી નવરાત્રી મહોત્સવ માટેની અકોટા સ્ટેડિયમની ફાળવણી રદ કરાઈ છે. કાનૂની કાર્યવાહી પૂરતી જ નહીં પણ આપત્તિજનક વર્તન બદલ BITA ગ્રુપ સામે આ પ્રશાસનિક પગલું ભરવામાં આવ્યું છે.
શહેરમાં ચર્ચાનો વિષય
ગરબાની તૈયારી વચ્ચે થયેલા આ ઘટનાક્રમે નવરાત્રી પ્રોગ્રામ એકાએક અટવાઈ જતાં શહેરભરમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. હવે અકોટા સ્ટેડિયમમાં બીટા ગ્રુપનો ગરબો થશે કે નહીં તેના પર સસ્પેન્સ ઉભો થયો છે.