Vadodara

પાલિકાએ હેરિટેજ બિલ્ડિંગ ફરતે બેરિકેટિંગ કરી પાર્કિંગના દબાણોનો સફાયો કર્યો

27 જાન્યુઆરીથી બદલાયો ન્યાયમંદિરનો નજારો; શું આ કામગીરી કાયમી રહેશે કે પછી ‘નવ દિવસની નવાઈ’ સાબિત થશે?

વડોદરા: સંસ્કારી નગરીની શાન ગણાતા અને શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક ન્યાયમંદિર બિલ્ડિંગને હેરિટેજ સ્મારક તરીકે સુરક્ષિત રાખવા માટે વડોદરા મહાનગરપાલિકાએ કમર કસી છે. તારીખ 27 જાન્યુઆરી, 2026 ના રોજ પાલિકાના દબાણ શાખા દ્વારા ન્યાયમંદિરની આસપાસ વર્ષોથી અડિંગો જમાવીને પડેલી ગાડીઓ અને ગેરકાયદે પાર્કિંગને હટાવવાની સપાટો બોલાવ્યો હતો.
પાલિકા દ્વારા ન્યાયમંદિરની આસપાસના વિસ્તારમાં લોખંડના બેરિકેટ લગાવી દેવામાં આવ્યા છે જેથી ફરીથી વાહનોનું દબાણ ન થાય. આ સાથે જ બિલ્ડિંગની આસપાસ જમા થયેલી ગંદકી દૂર કરવા માટે ખાસ સાફ-સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે. લાંબા સમયથી આ ભવ્ય ઇમારતની આસપાસ અસ્તવ્યસ્ત પાર્કિંગને કારણે તેની સુંદરતા ઝંખવાઈ રહી હતી. મંગળવારે સવારથી જ વર્ષોથી બીન વાર્ષિક તેમજ ધૂળ ખાતી ગાડીઓ અને રીક્ષાઓ હટાવવાનું કામ દબાણ શાખા દ્વારા કરવામાં આવ્યું હતું.
સ્થાનિકોના મતે, માત્ર બેરિકેટ લગાવી દેવાથી સમસ્યાનો ઉકેલ આવતો નથી. જો ટ્રાફિક પોલીસ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં નહીં આવે, તો થોડા દિવસોમાં સ્થિતિ ફરી ‘જૈસે થે’ થઈ જવાની ભીતિ છે. હેરિટેજ બિલ્ડિંગની ગરિમા જાળવવા માટે શું પાલિકા આ વ્યવસ્થા કાયમી ધોરણે જાળવી શકશે?
​હવે જોવાનું એ રહે છે કે વડોદરા મહાનગરપાલિકા અને ટ્રાફિક વિભાગ આગામી દિવસોમાં આ વિસ્તારને ટ્રાફિક મુક્ત અને સ્વચ્છ રાખવા માટે કેવો એક્શન પ્લાન રજૂ કરે છે.

જનતામાં ઉઠતા સવાલો: શું આ કામગીરી કાયમી રહેશે?
​પાલિકાની આ કામગીરીને પગલે શહેરીજનો અને સ્થાનિક વેપારીઓમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે:
*​વૈકલ્પિક પાર્કિંગ ક્યાં? શહેરમાં પહેલેથી જ પાર્કિંગની ભારે અછત છે, ત્યારે વેપારીઓ અને ગ્રાહકો હવે વાહનો ક્યાં પાર્ક કરશે તે મોટો પ્રશ્ન છે.
*​ગેરકાયદે વસૂલાત પર લગામ: એવી પણ ચર્ચાઓ છે કે અત્યાર સુધી હેરિટેજ બિલ્ડિંગની આસપાસ ગેરકાયદેસર રીતે પાર્કિંગ કરાવીને ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હતી. શું હવે આ તત્વો પર ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી કરશે?
*​પાલિકાનું ‘પે એન્ડ પાર્ક’ બંધ થશે? ન્યાયમંદિરની બીજી તરફ ફુવારા પાસે પાલિકા પોતે જ ‘પે એન્ડ પાર્ક’ ચલાવે છે. હેરિટેજ ઝોન જાહેર થયા બાદ શું પાલિકા પોતાનું આ કમાણીનું સાધન પણ બંધ કરશે કે કેમ, તે જોવું રહ્યું.

Most Popular

To Top