ચર્ચનો ગેટ અને દિવાલ તોડી પાડતા સમાજના લોકો દુઃખી
પ્રેમ જ્યોત સોસાયટીએ પાલિકા દ્વારા ટ્રસ્ટની જમીન ગેરકાયદેસર રીતે પડાવી લેવાતી હોવાની આશંકાએ પાલિકાની કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
વડોદરા શહેરમાં ધાર્મિક અને સામાજિક કાર્યો માટે કાર્યરત એવી પ્રેમ જ્યોત સોસાયટીના ધર્મગુરુઓ અને કાર્યકર્તાઓ પાલિકા દ્વારા ટ્રસ્ટની જમીન ગેરકાયદેસર રીતે પડાવી લેવાતી હોવાની આશંકાએ વડોદરા મહાનગરપાલિકાની વળી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવા પહોંચ્યા હતા.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ટ્રસ્ટના માલિક જમીન પર નગર રચના દ્વારા પ્રિલિમનરી ટીપી સ્કીમ ગોરવા કરોડિયા 55A લાવી ટ્રસ્ટની જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડવાનું સામે આવ્યું છે.
આ મામલે ટ્રસ્ટ દ્વારા વડોદરા કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી જ્યાં અપીલ નકારતા ઉપલી કોર્ટમાં જવાની ટ્રસ્ટની તૈયારી છે પરંતુ પાલિકા દ્વારા કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર કાર્યવાહી કરવાનું ટ્રસ્ટ ને જણાવવામાં આવ્યું છે. ત્યારે આ મામલે અપીલ કરવાની મુદત આપવામાં આવે અને કાયદેસર રીતે કાર્યવાહી કરવા દેવામાં આવે તેવી રજૂઆત ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. આ સાથે જો યોગ્ય મુદ્દત આપવામાં નહીં આવે તો ટ્રસ્ટના હોદ્દેદારો અને આગેવાનો ગાંધીજીના માર્ગે ભૂખ હડતાલની પણ ચીમકી આપી છે.
ટ્રસ્ટના આગેવાન અને ફાધરે જણાવ્યું હતું કે પ્રેમ જ્યોત નામની મધુકર બ્રિજ પાસે જે સંસ્થા આવેલી છે એ ધાર્મિક સંસ્થા છે. જ્યાં અમે ફાધરો ધાર્મિક તેમજ સમાજ સેવાના કાર્યો કરી રહ્યા છીએ. અમારી સંસ્થાની જે જગ્યા છે તમારી જે પ્રોપર્ટી છે એની મધ્યથી ટાઉન પ્લાનિંગ ના નામે અમારી જમીન હડપી લેવાની જે કાર્યવાહી થઈ રહી છે તે બાબતની રજૂઆત કરવા આજરોજ અમે અહીં આવ્યા છીએ. વડોદરા પાલિકાના દબાણ શાખાના અધિકારીઓ દ્વારા કોઈપણ નોટિસ આપ્યા વગર અમારા ચર્ચના ગેટ છે તે દિવાલને તોડી પાડવામાં આવી હતી. અમારા ટ્રસ્ટ દ્વારા જ્યારે માગણી કરવામાં આવી હતી અમને કોઈ પ્રોપર જવાબ મળ્યો ન હોવાથી સિવિલ કોર્ટમાં અમે અરજી દાખલ કરી હતી હજુ કેસ ચાલતો હોવા છતાં કોર્પોરેશનના દબાણ શાખાના અધિકારીઓ અને કમિશનરે હુકમ કરી અમારી આ જગ્યાનો ગેટ તોડી નાખ્યો હતો. અને તારીખ 23 ના રોજ દબાણ શાખા ના પાંચ અધિકારીઓ ચર્ચના પ્રીમાઈસીસમાં બળજબરીપૂર્વક આવ્યા, અંદર આવીને અમારી પરવાનગી લીધા વગર શૂટિંગ કરતા હતા અને અમને મૌખિક કહેવામાં આવ્યું કે 27 તારીખે આ રસ્તો ખુલ્લો કરી નાખવાનો છે. અમે એમની પાસે નોટિસ માગી પરંતુ કોઈ નોટીસ આપી નથી. આજરોજ દબાણ શાખાની ટીમ ફરી આવી હતી અને ચર્ચનું મુખ્ય દ્વાર અને દિવાલ તોડી પાડી હતી અને જ્યારે નોટિસ માગી ત્યારે ઓફિસમાં છે તે તમને ચાર વાગે આપવામાં આવશે એવું કહ્યું. પરંતુ અત્યાર સુધી કોઈ નોટિસ આવી નથી. જ્યારે અમે કમિશનરને મળવા ગયા ત્યારે કમિશનર એક જ વાત કરતા રહ્યા કે આ ટીપીનો રસ્તો છે તે આખો હોવો જોઈએ. બીજી કોઈ વાત જોઈએ નહીં તેમ અમને કહેવામાં આવ્યું હતું. કમિશનરે અમારી કોઇ વાત સાંભળી નથી. અમારી લાગણી અને આસ્થાને દુભાવી રહ્યા છે જેને લઈને અમારા સમાજના લોકો ખૂબ દુઃખી થયા છે.