Padra

પાદરા નગરપાલિકા ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક જૂથબંધી તેજ

ટિકિટ ફાળવણીને લઈને વફાદાર કાર્યકરોમાં નારાજગી, નવા રાજકીય સમીકરણો ગરમાયા
વિરોધી જૂથના કાર્યકરોને પ્રાધાન્ય મળવાની ચર્ચાએ અસંતોષ વધ્યો

પાદરા: પાદરા નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં ભાજપમાં ટિકિટ ફાળવણીને લઈને અંદરખાને રાજકીય હલચલ તેજ બની છે. ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન ધારાસભ્ય સાથે કાર્ય કરનાર ઘણા જૂના અને વફાદાર કાર્યકરો હાલ દૂર થઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ, તે સમયે વિરોધી જૂથમાં રહેલા કેટલાક કાર્યકરો હવે ધારાસભ્યના નજીક આવી ગયા હોવાનું સામે આવતા પાર્ટીમાં અસંતોષનો માહોલ સર્જાયો છે. ચર્ચા એવી પણ છે કે આવા કાર્યકરોને આ વખતે 50 ટકા થી વધુ ટિકિટ ફાળવવાની સંભાવના છે, જેને લઈને વર્ષોથી પાર્ટી માટે કાર્યરત કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
સ્થાનિક સામે ‘આયાતી ઉમેદવારો’ મુદ્દે કાર્યકરોમાં ચર્ચા, લોબીંગ શરૂ
પાદરા નગરપાલિકાની કુલ 7 વોર્ડની 28 બેઠકો માટે આશરે 31,164 મતદારો વચ્ચે ચૂંટણી યોજાવાની છે. ટિકિટ મેળવવા માટે વિવિધ જૂથો દ્વારા લોબીંગ શરૂ થઈ ગયું છે અને આગેવાનો પોતાના માનિતાઓને આગળ ધપાવવા સક્રિય બન્યા છે. સ્થાનિક સ્તરે કાર્યકરો અને સંભવિત ઉમેદવારો દ્વારા ‘આયાતી ઉમેદવારો’ને તક ન આપવાની માંગ પણ ઉઠી રહી છે. પ્રદેશ અને જિલ્લા નેતૃત્વે સર્વે અને જીતવાની ક્ષમતાના આધારે ટિકિટ ફાળવવાની વાત કરી હોવા છતાં સ્થાનિક સ્તરે અલગ સમીકરણો રચાઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે આગામી દિવસોમાં પાર્ટી આ આંતરિક અસંતોષને કેવી રીતે સંભાળે છે તે પર સૌની નજર ટકેલી છે.

રિપોર્ટર: પ્રવીણ ગાંધી

Most Popular

To Top