Vadodara

પાદરા અને જંબુસર જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં ભૂગર્ભ જળ પ્રદૂષિત થયા

પાતાળમાં પાણી ઘટ્યા અને જે બચ્યા તે પ્રદૂષિત થયા: વડોદરા કલેક્ટર કચેરીમાં NAQUIM રિપોર્ટનું પ્રેઝન્ટેશન

શહેર અને ઉદ્યોગો દ્વારા પાણીના અંધાધૂંધ વપરાશથી જળસ્તર નીચે ગયા; હવે તળાવોમાં ‘રિચાર્જ શાફ્ટ’ બનાવી જમીનને તરસ છિપાવવા કવાયત

વડોદરા: વડોદરા જિલ્લામાં ભૂગર્ભ જળની સ્થિતિ દિન-પ્રતિદિન ચિંતાજનક બની રહી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા વર્ષ 2012 થી 2023 દરમિયાન કરવામાં આવેલા લાંબાગાળાના અભ્યાસ બાદ તૈયાર કરાયેલ ‘નેશનલ એક્વિફર મેપિંગ એન્ડ મેનેજમેન્ટ’ રિપોર્ટનું પ્રેઝન્ટેશન તાજેતરમાં વડોદરા કલેક્ટર કચેરી ખાતે રજૂ કરવામાં આવ્યું હતું. આ રિપોર્ટમાં ખાસ કરીને પાદરા અને જંબુસર જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં ભૂગર્ભ જળ પ્રદૂષિત થયા હોવાનો પર્દાફાશ થયો છે.

કેન્દ્રીય ભૂમિ જલ બોર્ડના અહેવાલ મુજબ, વડોદરાના ઔદ્યોગિક વિસ્તારોમાં ગ્રાઉન્ડ વોટરમાં હાઈ ટોટલ ડિઝોલ્વડ સોલિડ્સ અને સેલ્ફેટનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણીને કારણે જમીનની અંદર રહેલું પાણી પીવાલાયક કે ખેતીલાયક રહ્યું નથી. વધતા જતાં શહેરીકરણ અને પાણીના અતિશય વપરાશને કારણે જળસ્તર સતત નીચે જઈ રહ્યા છે, જે ભવિષ્ય માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે.
કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગુજરાતના 1.61 લાખ ચોરસ કિમી વિસ્તારનું મેપિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. એપ્રિલ થી માર્ચ સુધીના એક વર્ષના સમયગાળામાં ચોમાસા પહેલા અને ચોમાસા પછીની સ્થિતિનો સઘન અભ્યાસ કરી આ તારણો રજૂ કરવામાં આવ્યા છે. વડોદરા કલેક્ટરે આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈ સંબંધિત વિભાગોને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે.
મુખ્ય ભલામણો અને આગામી આયોજન…
રિપોર્ટના પ્રેઝન્ટેશન દરમિયાન જળસ્તર સુધારવા માટે તંત્ર સમક્ષ કેટલીક મહત્વની ભલામણો કરવામાં આવી છે:
*​રિચાર્જ શાફ્ટનું નિર્માણ: પાણીના સ્તર વધારવા માટે જિલ્લાના તળાવો અને પોન્ડસમાં 25 થી 30 મીટર ઊંડી રિચાર્જ શાફ્ટ બનાવવાની સલાહ અપાઈ છે.
*​NAQUIM 2.0: આગામી સમયમાં પ્રોજેક્ટના બીજા તબક્કા હેઠળ શહેરીકરણ અને વોટર એક્સપોલીટેશન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
*​સંકલિત અમલીકરણ: આ ભલામણોનો ઝડપી અમલ કરવા માટે મનરેગા યોજના અને જિલ્લા વિકાસ અધિકારી ના સંકલનથી કામગીરી હાથ ધરવામાં આવશે.

Most Popular

To Top