Vadodara

પાદરામાં મહીસાગરની મધ્યે ફરીવાર મોતનું તાંડવ ખેલાતા રહી ગયું

મુસાફરોથી ખીચોખીચ ભરેલી નાવડી પલટી

ગંભીરા બ્રિજ બંધ હોવાથી જોખમી મુસાફરી કરવા લોકો લાચાર; ક્ષમતા કરતા વધુ પેસેન્જરો બેસાડાતા કિનારા પાસે જ નાવડી ઊંધી વળી.

વડોદરા: પાદરા પાસે મહીસાગર નદીમાં આજે એક મોટી હોનારત થતા રહી ગઈ છે. પાદરાના મુજપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં મુસાફરોથી ખીચોખીચ ભરેલી એક નાવડી અચાનક પલટી જવાની ઘટના બની હતી. નાવડી પલટતા જ તેમાં સવાર મુસાફરો નદીના પાણીમાં ગરકાવ થયા હતા, જેના કારણે કિનારે ઉભેલા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગંભીરા બ્રિજ પર અગાઉ સર્જાયેલી દુર્ઘટના બાદ હાલ આ બ્રિજ પર વાહનવ્યવહાર અને લોકોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. બ્રિજ બંધ હોવાને કારણે સ્થાનિકો અને અન્ય મુસાફરો મહીસાગર નદી ઓળંગવા માટે દેશી નાવડીઓનો સહારો લઈ રહ્યા છે. મજબૂરીવશ લોકો જીવના જોખમે આ રીતે મુસાફરી કરવા મજબૂર બન્યા છે.

પ્રાથમિક માહિતી જાણવા મળ્યા મુજબ, જે નાવડી પલટી હતી તેમાં તેની નિર્ધારિત ક્ષમતા કરતા ઘણા વધારે પેસેન્જરો બેસાડવામાં આવ્યા હતા. વધુ પડતા વજનને કારણે નાવડીનું સંતુલન ખોરવાયું હતું અને કિનારાની નજીક પહોંચતા જ તે અચાનક પાણીમાં ઊંધી વળી ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા તંત્રની કામગીરી અને લોકોની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે.

નાવડી પલટી જતાં જ કિનારા પર હાજર સ્થાનિક તરવૈયાઓ અને અન્ય લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે નદીમાં કૂદી પડ્યા હતા. લોકોની સમયસૂચકતા અને ત્વરિત મદદને કારણે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ આ ઘટનાએ પ્રશાસન માટે લાલબત્તી સમાન ચેતવણી આપી છે.

ગંભીરા બ્રિજ લાંબા સમયથી બંધ હોવા છતાં વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે લોકોએ નાવડીમાં મુસાફરી કરવી પડે છે. સ્થાનિકોની માંગ છે કે બ્રિજનું સમારકામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અથવા સુરક્ષિત અવરજવર માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ગંભીર દુર્ઘટનામાં કોઈનો જીવ ન જાય.

Most Popular

To Top