અવારનવારના ઝગડા અને અસામાજિક તત્વોની દાદાગીરીથી રહીશો ત્રસ્ત
વડોદરા જિલ્લાના પાદરામાં મધર સ્કૂલ નજીક ગત રાત્રે પથ્થરમારાની ગંભીર ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, યાસીન નામનો નશેડી શખ્સ પોતાના પરિવાર સાથે અવારનવાર ઝગડો કરતો હોય છે. ગતરોજ રાત્રે પણ તેની અને તેની માતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જે બાદ પથ્થરમારાની ઘટના સામે આવી. આ અવારનવારના હંગામાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આસપાસના રહીશો માટે શાંતિપૂર્ણ જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. રાત્રીના સમયે પથ્થરમારાની ઘટના બનતા સોસાયટીના લોકો ભયગ્રસ્ત બની ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો અને મામલો થાળે પડ્યો.
પોલીસ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, યાસીન અને તેની માતા વચ્ચે અવારનવાર ઝગડા થતા રહે છે. યાસીન વિરુદ્ધ 7-8 જેટલા ચેપ્ટર કેસ નોંધવામાં આવ્યા છે. તંત્રએ તેને તડીપાર કરવા માટે બે વખત પ્રપોઝલ પણ મોકલ્યું છે, પરંતુ હજુ સુધી તેને દૂર કરવામાં કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવી નથી.
સોસાયટીના લોકોનું કહેવું છે કે, આવા તત્વો સામે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ સતત ત્રાસ ચાલુ રાખશે. સવાલ એ છે કે, પોલીસ અને પ્રશાસન આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવશે? સ્થાનિકો હવે આ તત્વો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
પોલીસે કહ્યું; નિર્ભય બની ફરિયાદ કરો
પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે પાદરામાં કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં. જો કોઈ પણ નાગરિકને કોઈ અસામાજિક તત્વ વિરુદ્ધ ફરિયાદ આપવી હોય તો તે પોલીસમાં નોંધાવી શકે છે. સાથે જ, ફરિયાદીની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે, જેથી કોઈપણ વ્યક્તિ નિર્ભય થઈને ફરિયાદ કરી શકે.