Padra

પાદરાના શ્રી સંભવનાથ જિનાલય તેમજ સૂરીરામચંદ્ર – ગુરુમંદિરે પ્રતિષ્ઠા સંપન્ન થઈ

પાદરા.તા.
વિશ્વવિખ્યાત જૈનાચાર્ય શ્રી રામચંદ્ર સુરીશ્વરજી મહારાજના વતન – ધામ પાદરામાં આબુ – દેલવાડા, રાણકપુર અને તારંગા – કુંભારીયાજીના દેરાસરોની કોતરણીનિ હોડ કરે તેવું શ્રી સંભવનાથ ભગવાનનું સપ્ત શિખરી દેરાસર જૈનાચાર્ય શ્રીકીર્તિયશસુરીશ્વરજી મહારાજના ઉપદેશથી પુનરુદ્ધાર પામ્યું છે. મકરાણાના મોંઘેરા શ્વેત આરસથી સંપૂર્ણ નિર્માણ અત્રેના ટ્રસ્ટની સંમતિ – વિનંતીથી શ્રી સન્માર્ગ પરીવાર રિલીજયસ ટ્રસ્ટે કરાવી આપ્યું છે. આ દેરાસર ચોક્સી બઝાર ની સાંકડી ગલીમાં આવ્યું છે છતાં એનો રંગ મંડપ એક સાથે ૩૦૦ માણસોને સમાવે એવો મોટોને આકર્ષક છે.



આજે સવારે ૯ ને ૫ વાગે સાતે શિખરોના ગર્ભગૃહોમાં દરેક ભગવંતોની મૂર્તિઓની વિવિધ લાભાર્થીઓએ પ્રતિષ્ઠા કરી અને આચાર્યશ્રીએ સુગંધી ચંદન પાવડર (વાસક્ષેપ) નું સિંચન કરી દરેક પ્રતિષ્ઠાને માન્યતા આપી હતી. ઊંચા શિખરો પર ધ્વજાઓ લહેરાઈ હતી. બેન્ડ વાજા વાગી ઉઠ્યા હતા. સાથોસાથ પાદરા ના પનોતા પુત્ર શ્રી રામચંદ્ર સુરીશ્વરજી મહારાજના ગુરુમંદિરે એમની સપરિવાર મૂર્તિની પણ મંગલ – પ્રતિષ્ઠા થઈ હતી. પ્રતિષ્ઠા બાદ જિનાલયમાં પ્રતિષ્ઠાચાર્ય નું નવાંગી ગુરૂપૂજન કરાયું હતું.

પ્રતિષ્ઠા નિમિતે સંઘજમણ અને શાંતિસ્નાત્ર મહોત્સવ થયો. આજના પ્રવચનમાં આચાર્યશ્રી એ ‘ પાદરા ‘ તીર્થધામ શી રીતે છે ? તેનો મહિમા સમજાવી કહ્યું કે ” હે યે પાવન ભૂમિ યહા બાર બાર આના. ” તીર્થ સંકુલ સંચાલન માટે નિધિ પણ કરવામાં આવ્યો.

પાદરા જૈન સંઘે સન્માર્ગ પરિવાર તેમજ સુભાનપુરા જૈન સંઘ – વડોદરા ના ટ્રસ્ટીઓના સાથ – સહકાર બદલ બહુમાનની વિધિ પણ કરી હતી અને દેરાસર નિર્માણના કાર્યમાં જોડાયેલ મુકાદમોનું માતબર ઇનામ આપીને સત્કાર કર્યો હતો.

આચાર્યશ્રી એ રતનબાના વાયણાના કાર્યક્રમને યાદ કરી અનુમોદના કરી જણાવેલું કે દરેક દીક્ષાર્થી ને પાદરા જૈન સંઘ આમંત્રિત કરશે અને જેઠાભાઈ અમીનની ખડકીમાં આવેલા ‘ત્રિભુવન’ ના ઘરે રતનબાનું વાયણુ જમાડી દીક્ષાનું મંગલ કરશે. સકલ સંઘે આ ઘોષણાને જયનાદથી વધાવી લીધી હતી.


આજે પાદરાથી પ્રથમવાર જ ગંધારતીર્થ તરફનો પગપાળા યાત્રા સંઘ નીકળતા સાંજે ૫.૩૦ વાગે મોટી સંખ્યામાં ભાવિકો વિદાય આપવા આવ્યા હતા. પ્રથમ દિવસના સંઘપતિ મુંબઈના પ્રવિણભાઈને તિલક કરવામાં આવ્યું હતું. સંઘમાં ૩૦૦ જેટલા ભાવિકો આચાર્યશ્રીની નિશ્રામાં જોડાયેલા છે. વૈશાખ સુદ ૩ ના સંઘ ગંધારતીર્થ પહોંચશે અને વૈશાખ સુદ ૬ ના ત્યાં દેરાસરે કળશ – ધ્વજદંડ અને સૂરીરામચંદ્ર દીક્ષા સંરચના ગુરુમંદિરે ગુરુમૂર્તિની પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાશે.

Most Popular

To Top