Vadodara

પાણી સમસ્યાના ઉકેલ માટે કમિશનર અરુણ મહેશ બાબુએ બોટમાં બેસી રાયકા ફ્રેન્ચવેલનું કર્યું નિરીક્ષણ!​


​ટેક્નિકલ ખામીઓ દૂર કરી પુરવઠો સુચારુ કરવા તાકીદ: શહેરના નાગરિકોને મળશે સતત અને સ્વચ્છ પાણી

વડોદરા : શહેરમાં ઉદ્ભવેલી પાણીની સમસ્યાના તાકીદના નિવારણ માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ફરી એકવાર એક્ટિવ મોડમાં જોવા મળ્યા હતા. કમિશનરે રજાના દિવસે પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બોટમાં બેસીને રાયકા ફ્રેન્ચવેલ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.

શહેરમાં પાણીની તંગી અંગેની વાસ્તવિક પરિસ્થિતિ અને તેના મૂળ કારણોનો તાગ મેળવવાના હેતુથી કમિશનર અરુણ મહેશ બાબુએ સ્થળ પર જ તપાસ હાથ ધરી હતી અને તંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
નિરીક્ષણ બાદ, કમિશનરે પાણી પુરવઠા સુચારુ રહે તે માટે તાત્કાલિક પગલાં લેવાની અને સિસ્ટમમાં રહેલી તમામ ટેક્નિકલ ખામીઓને યુદ્ધના ધોરણે દૂર કરવાની સ્પષ્ટ સૂચનાઓ અધિકારીઓને આપી હતી. આ દરમિયાન, ફ્રેન્ચવેલની સફાઈની સ્થિતિ, પાણીના દબાણ અને સમગ્ર પુરવઠાની વ્યવસ્થા અંગે પણ ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.

વડોદરાના નાગરિકોને કોઈપણ વિક્ષેપ વિના સતત અને સ્વચ્છ પાણીનો પુરવઠો મળી રહે તે માટે હવે મ્યુનિસિપલ તંત્ર વધુ સક્રિય બન્યું છે. કમિશનરના આ તાત્કાલિક પગલાંને કારણે આગામી દિવસોમાં પાણીની સમસ્યા હળવી થવાની આશા જાગી છે. કમિશનરની આ એક્શન ઓરિએન્ટેડ કાર્યશૈલી ફરી એકવાર શહેરીજનો માટે આશ્વાસનરૂપ બની છે.

Most Popular

To Top