વડોદરા પાલિકાના મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી અર્થે રજૂ
વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરની પાણી પુરવઠા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અનેક મહત્ત્વના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશ્નર તરફથી આ કરોડો રૂપિયાના કામોને મંજૂરી આપવા માટે સ્થાયી સમિતિ સમક્ષ ભલામણ રજૂ કરવામાં આવી છે, જેમાં બે મોટા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
પાણી પુરવઠા (ઇલે./મિકે.) શાખા હસ્તકના શેરખી ઇન્ટેકવેલ ખાતેની હયાત ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન મશીનરીના અપગ્રેડેશનનું કામ મે. રિદ્ધિ એન્જિયર્સને સોંપવાનો પ્રસ્તાવ છે.
આ કામ માટે ખાતા દ્વારા અંદાજ રકમ રૂ. 6,05,81,414 (+GST) નક્કી કરાઈ હતી. લોએસ્ટ ઇજારદાર મે. રિદ્ધિ એન્જિયર્સે અંદાજિત રકમથી 1.55% ઓછા ભાવે બિડ આપી છે. કમિશ્નર દ્વારા રૂ. 5,96,42,402.08 (+GST) ના ભાવપત્રને ખાતાની શરતો રાખવાની ભલામણ કરવામાં આવી છે.
વધુમાં, આ સમગ્ર કામગીરી માટેના સલાહકાર મે. રાય ઇન્ફ્રા પ્રા. લી. ના ચુકવણા અર્થે થનાર ખર્ચ રૂ. 6,37,391 ને પણ જાણમાં લઈ તેને મંજૂરી આપવા કમિશ્નર તરફથી વિનંતી કરાઈ છે. આ અપગ્રેડેશન શહેરના જળસ્રોતની કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ થશે.
ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ
આ સિવાય, પાણી પુરવઠા શાખા હસ્તકના ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેની ઇન્સ્ટ્રુમેન્ટેશન તથા સ્કાડા સિસ્ટમના નવીનીકરણ અને પુનરુત્થાનના કામે પણ દરખાસ્ત રજૂ થઈ છે. આ સિસ્ટમનું અપગ્રેડેશન પાણી શુદ્ધિકરણ પ્રક્રિયાને વધુ આધુનિક અને નિયંત્રિત બનાવશે.
ખાતાનો અંદાજ રૂ. 1,69,17,955 (+GST) નો હતો. આ કામ માટે ઇજારદાર મે. મોર્ડન પાવર સર્વિસીસના રૂ. 1,56,60,951 (+GST) ના બીનશરતીય ભાવપત્રને મંજૂરી આપવા ભલામણ કરાઈ છે. મે. મોર્ડન પાવર સર્વિસીસનો ભાવ અંદાજિત રકમથી 7.43% ઓછો છે, જે પાલિકાને મોટી બચત કરાવી આપશે.
મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ આ બંને મહત્ત્વપૂર્ણ દરખાસ્તોને તાત્કાલિક મંજૂરી આપીને વડોદરાની પાણી પુરવઠા અને વિતરણ વ્યવસ્થાને સમયસર અપગ્રેડ કરવા ભાર મૂક્યો છે. સ્થાયી સમિતિની આગામી બેઠકમાં આ દરખાસ્તો પર અંતિમ મહોર લાગવાની સંભાવના છે.