વડોદરામાં પૂર પ્રકોપ ? રજાના દિવસે પણ પાલિકામાં બેઠક બોલાવવી પડી :
કોર્પોરેશન ખાતે વિધાનસભાના મુખ્ય દંડક ઉપરાંત અન્ય તમામ ધારાસભ્ય તથા કોર્પોરેશનના અધિકારીઓની તાકીદની બેઠક યોજાઈ :
વીતેલા દિવસો દરમિયાન સર્જાયેલી પરિસ્થિતિ અને આગામી આયોજન અંગે ચિંતન-મંથન કરાયું
( પ્રતિનિધિ ) વડોદરા, તા.28
વડોદરામાં થોડા દિવસ પૂર્વે ભારે વરસાદને કારણે સર્જાયેલી વિવિધ સમસ્યાઓ તથા શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે લાંબા ગાળાનું કાયમી આયોજન જરૂરી બન્યું છે. ત્યારે, રવિવારે રજાના દિવસે પણ પાલિકાની વડી કચેરી ખાતે સાંસદ સહિત અન્ય તમામ ધારાસભ્યો સાથેની તાકીદની બેઠક મળી હતી.
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સાંસદ ડોક્ટર હેમાંગ જોષી, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, શહેરના અન્ય તમામ ધારાસભ્યો, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર તેમજ કોર્પોરેશનના અન્ય ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં એક તાકીદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં વીતેલા દિવસો દરમિયાન શહેરમાં થયેલ ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ બાબતે ઊંડાણ પૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના કયા કયા વિસ્તારમાં પાણી ભરાયા ? શહેરના હજી કોઈ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે કે કેમ ? પાણીને કારણે અન્યત્ર સલામત ખસેડાયેલા રહીશોના પુનઃસ્થાપન બાદ તેમને પહોંચાડવામાં આવેલી જીવન જરૂરી સુવિધાઓ તથા શહેરના વિવિધ રસ્તાના સમારકામ જેવા મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
મિટિંગમાં વિશ્વામિત્રી અને આજવા સરોવરના જળસ્તરની જાળવણીને મુદ્દે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમા તમામ ધારાસભ્ય પોતાના વિસ્તારને લગતી વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. આ સમસ્યાઓના નિરાકરણ માટે પણ વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત સાંસદ સહિત તમામ ધારાસભ્ય એ શહેરને લગતી વિવિધ સમસ્યાઓના લાંબા ગાળાના નિરાકરણ પર ભાર મૂક્યો હતો. ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓએ આગામી દિવસો માટે કોર્પોરેશને શું રણનીતિ ઘડી કાઢી છે ? હવે આગળ કોર્પોરેશને શું આયોજન કર્યું છે ? તેવો પ્રશ્ન કરી નક્કર આયોજન કરવાની હિમાયત પર ભાર મૂક્યો હતો. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આગામી દિવસો દરમિયાન વરસાદની સ્થિતિ સંદર્ભે કોર્પોરેશનના તંત્રને સાવધ કરી આ માટે ચોક્કસ આયોજન કરવા તાકીદ કરી હતી. શહેરની વિકાસલક્ષી સમસ્યાઓના નિરાકરણ માટે જરૂર પડે રાજ્ય તથા કેન્દ્ર સરકારને રજૂઆત કરી, મદદ મેળવવા બાબતે પણ ઉપસ્થિત તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.