- પ્રાથમિક સુવિધા નહિ મળે તો મતદાન બહિષ્કારની ચીમકી
- કોર્પોરેશનમાં સમાવિષ્ટ થયા બાદ મુશ્કેલીઓ વધી, ટેન્કર મારફતે પાણી મંગાવવું પડે છે
વેમાલી ગામના રહીશો દ્વારા માળખાકીય સુવિધાઓ ન મળતા વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ વિસ્તારમાં પાણીની સમસ્યા વિકટ બની છે ત્યારે રહીશો દ્વારા પાણી નહિ તો વેરો નહિ ના નારા સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આઠ વર્ષ પૂર્વે પાલિકાની હદમાં વેમાલી ગામનો સમાવેશ થયો હતો. તે પછી અત્યાર સુધી ગામમાં રસ્તા, પાણી, ડ્રેનેજ વગેરે જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નથી. સ્થાનિક રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને પાણી નહીં તો વેરો નહીં અને મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. શહેરના છેવાડે આવેલા વેમાલી ગામનો કોર્પોરેશનમાં સમાવેશ કરાયા બાદ સુઆયોજિત વિકાસ નહીં થતા બિલ્ડરોએ ફ્લેટો અને મકાનોની સ્કીમો મૂકી દીધી હતી. અસંખ્ય લોકો રહેવા આવી ગયા પરંતુ કોર્પોરેશન તરફથી મળતી પ્રાથમિક સુવિધાઓ આજ દિન સુધી અહીંના રહીશોને પ્રાપ્ત થઈ શકી નથી. થોડા સમય પહેલા વેમાલી ગામના સ્થાનિક રહીશો સાથે પૂર્વ સરપંચે પીવાના પાણી મુદ્દે આંદોલન ચલાવ્યું હતું. તે બાદ કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવ્યું હતું. તે પછી બાયપાસ ક્રોસ કરીને પાણી પુરવઠા જૂથ યોજનામાંથી પીવાનું પાણી મળે તે માટેના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાંથી વેમાલીના થોડાક વિસ્તારને પાણી મળતું થયું હતું પરંતુ અનેક સોસાયટી અને ફ્લેટને આજે પણ કોર્પોરેશનનું પાણી મળી રહ્યું નથી. જેથી સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવતા કોર્પોરેશનના તંત્ર દ્વારા કોઈ સંતોષકારક આગળની કામગીરી કરવામાં આવી નથી. અહીંના રહીશોએ અવારનવાર કોર્પોરેશનમાં પાણીની લાઈન માટે રજૂઆત કરતા રહ્યા હતા ત્યારે કોર્પોરેશન દ્વારા હજુ કામગીરી પેન્ડિંગ છે ટેન્ડર પ્રક્રિયા ચાલે છે એવું જણાવ્યા કર્યું હતું. જેથી સ્થાનિક રહીશોમાં રોષ આપ્યો છે. શનિવારે વેમાલીમાં રહીશોએ ‘‘પાણી નહીં તો વેરો નહીં ‘ના બેનરો સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. જો તંત્ર યોગ્ય સુવિધા નહીં આપે તો આગામી લોકસભાની ચૂંટણીમાં સમગ્ર વિસ્તારના રહીશો મતદાનનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.