Vadodara

પાણી તો ઉતર્યા પણ મકાનો, દુકાનો અને વાહનોને વ્યાપક નુકસાન

*શહેરની વિશ્વામિત્રી નદીની જળસપાટીમા ઘટાડો, સવારે 32.50ફૂટે, શહેરમાંથી પાણી ઓસરવાના શરૂ*

*સૌથી મોટી સમસ્યા હવે ગંદકી અને તેના કારણે રોગચાળો વધવાની સાથે જ અનેક પડકારો પાલિકા તંત્ર સામે ઉભા*

*હાથીખાના સહિત અનેક વિસ્તારોમાં વેપારીઓને મોટું નુકશાન*


(પ્રતિનિધિ) વડોદરા તા. 29

વડોદરામાં કુદરતી અને માનવસર્જિત સર્જાયેલી પૂરની પરિસ્થિતિ હવે ચાર દિવસ બાદ હળવી બનવા તરફ જઇ રહી છે. વિશ્વામિત્રી નદીના નીર ઢાઢર લેતું થયું હોવાથી વિશ્વામિત્રી નદીની જળસપાટી ઘટી રહી છે. સવારે 9 કલાકે વિશ્વામિત્રી નદીની જળસપાટી 32.50 ફૂટે પહોંચી છે. જેના કારણે શહેરના સૌથી પ્રભાવિત સ્થળો જેમાં હરણી સમા લિંકરોડ, ગદાસર્કલ, હરણી, હરણી વારસીયા રીંગરોડ, સંગમ રોડ, સયાજીગંજ,કાલાઘોડા થી રેલવે સ્ટેશન,કડકબજાર, જેતલપુર, દિવાળીપુરા,અકોટા, મહાવીર હોલ ચારરસ્તા સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ઓસરતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે હજી મુજમહુડા, અક્ષરચોક ,કલાલી, વડસર, ખિસકોલી સર્કલ ખાતે વિશ્વામિત્રી નદીના પાણી જોવા મળ્યા છે. બીજી તરફ મેઘરાજાએ પણ ખમૈયા કરતાં શહેરીજનોએ રાહત અનુભવી છે.

હવે પાલિકા તંત્ર પાસે સૌથી મોટી સમસ્યા સ્વચ્છતાની છે .કારણ કે ઠેરઠેર ગંદકી, દુર્ઘંધ થી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરવાની છે. સ્વચ્છતા માટે પાલિકા દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી કરવી પડશે. દવા છંટકાવ, ફોગિંગ કરવાનું રહેશે. સાથે સાથે રોડ રસ્તાઓમા જે ખાડાઓ પડ્યા છે તે યુધ્ધના ધોરણે કામગીરી કરવી પડશે . બીજી તરફ શહેરીજનોને શુધ્ધ પીવાનું પાણી મળે તે દિશામાં કવાયત હાથ ધરવી પડશે.
શહેરમાં પુરની સ્થિતિ દરમિયાન કેટલાય વિસ્તારમાં વીજ ફિડરોને નુકશાન થતાં વીજળી ગુલ થઇ છે. તે સમારકામ હાથ ધરવા પડશે. વડોદરાના સૌથી મોટા અનાજ અને મસાલાના હોલસેલ માર્કેટ હાથીખાના સહિત અનેક વિસ્તારોમાં વેપારીઓને મોટું નુકશાન વેઠવું પડ્યું છે. બીજી તરફ લોકોના મકાનમાં નુકશાન થયું છે . ત્યારે રાજ્ય સરકાર દ્વારા વહેલી તકે કેશડોલ સહાય જાહેર કરી યોગ્ય પધ્ધતિ મુજબ અસરગ્રસ્ત લોકોને સાચો લાભ મળે તે દિશામાં કામગીરી હાથ ધરવી પડશે. શાકભાજી તથા દૂધમાં લૂંટારા તકસાધુઓ ઉપર કાર્યવાહી હાથ ધરવા જેવા ઘણાં પડકારો છે સાથે સાથે આગામી દિવસોમાં હવે વડોદરામાં પાણી ન ભરાય તે માટે ફક્ત નાસ્તો કરવાની બેઠકો કે કાગળો પર પ્લાન ઘડવા કરતાં જમીની સ્તરે કોઇ પણ રાજકીય નેતાઓ, બિલ્ડરોની શેહશરમ વિના કાંસો પરના દબાણો, વિશ્વામિત્રી નદીના દબાણો, ગેરકાયદેસર ડ્રેનેજના કનેકશનો ઉપર કામગીરી કરવી પડશે જે નેતાઓ તથા બિલ્ડરોએ શહેરના તળાવો પર દબાણ કર્યા છે તે તમામ દબાણો દૂર કરી પૂરની સ્થિતિ અંગે સમીક્ષા કરી તટસ્થ કામગીરી હાથ ધરવી પડશે.

Most Popular

To Top