વડોદરા,: શહેરના આજવા રોડ પર આવેલી કાન્હા સીટીના રહીશો ફરી એકવાર પીવાના પાણીની સમસ્યા સામે આક્રોશિત બન્યા છે. છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા હલ થતી ન હોય, તંત્ર પાસે અનેકવાર રજૂઆત કરવા છતાં યોગ્ય પગલાં ન લેવાતા આજે રહેવાસીઓએ પાલિકા કચેરીએ પહોંચીને સૂત્રોચાર કર્યા હતા. સ્થાનિક રહેવાસીઓએ ફરિયાદ કરી કે તેઓ અનેક વખત પાણી માટે પાલિકા અને જવાબદાર અધિકારીઓ પાસે ગયા હતા, અધિકારીઓ પણ આવીને સ્થિતિ જોયા પછી માત્ર ફોટા પાડીને પાછા ફરી જાય છે, પણ સમસ્યા એ જ રહે છે.
હાલ ઉનાળાની ઋતુ છે, જેમાં પાણીની જરૂરિયાત વધુ રહે છે. આવા સમયમાં પણ કાન્હા સીટીના રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે. તેમણે કહ્યું કે પાણી જેવી મૂળભૂત સુવિધા નથી, ત્યારે વેરો કેમ ભરીએ ? તેથી રહેવાસીઓએ ચીમકી ઉચ્ચારી કે જો પાણીની સમસ્યાનો ઝડપથી ઉકેલ ન આવે, તો તેઓ વેરો ભરવાનું બંધ કરી દેશે અને આગામી ચૂંટણીઓમાં પણ વિરોધ કરશે.
કાન્હા સિટી રહેવાસી મેહુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, “અમે અહીં 50થી વધુ પરિવારો સાથે રહે છીએ. અમે પાણી વિના કેટલો સમય જીવીએ? તંત્ર માત્ર વચન આપે છે, કામ કશું જ કરતું નથી.