ઠેકરનાથ સ્મશાન પાસે આવેલી હરિકૃપા સહિતની સોસાયટીમાં લોકો વેચાતું પાણી લાવવા મજબૂર
કોર્પોરેટર, વોર્ડ ઓફિસમાં રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહિ આવતા રહીશોએ કર્યા ઉગ્ર સુત્રોચાર
( પ્રતિનિધિ ) વડોદરા તા.29
વડોદરા શહેરના ઠેકરનાથ વિસ્તારમાં આવેલ હરિકૃપા સહિતની સોસાયટીઓમાં ઘણા દિવસોથી પાણીની બૂમરાણ ઉઠી છે. ઉનાળામાં પાણી માટે વલખાં મારવા મજબુર બનેલા સ્થાનિક રહીશો આજે રોષે ભરાયા હતા. માટલાં ફોડી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો.
વડોદરામાં ઉનાળાની શરૂઆતથી જ પાણીનો કાળો કકળાટ શરૂ થયો છે દરરોજ નવી નવી સોસાયટીઓમાં પીવાના પાણીની બૂમ ઉઠી રહી છે. ત્યારે, વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલ ઠેકરનાથ મહાદેવ મંદિર વિસ્તારમાં હરિકૃપા સહિતની સોસાયટીઓમાં છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી નહીં મળતા આખરે સ્થાનિક રહીશોએ માટલા ફોડી, પાણી આપો પાણી આપો ના સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો. એક તરફ મોંઘવારીનો માર લોકો પર પડી રહ્યો છે. તો કમરતોડ વેરો ભરવા છતાં પણ લોકોને પાણી મળતું નથી. ત્યારે પાલિકા તંત્ર ઠેકરનાથ ખાતે આવેલ હરિકૃપા સહિતની આસપાસની સોસાયટીઓમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી આપવામાં વિલંબ કરતા લોકો વેચાતું પાણી લાવવા મજબૂર બન્યા છે. હરિ કૃપા સોસાયટીમાં આશરે 35 થી 40 જેટલા મકાનો આવેલા છે. પાલિકા તંત્ર દ્વારા પીવાના શુદ્ધ પાણી માટે ખોદકામ શરૂ કરી દીધું છે પણ કામ પૂર્ણ થતા હજી થોડો સમય લાગે એમ છે. ત્યારે કાળઝાળ ગરમીમાં પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહેલા હરિ કૃપા સોસાયટીના રહીશોએ પાલિકા તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે અનેક વખત સ્થાનિક કાઉન્સિલરો તેમજ વોર્ડ ઓફિસરમાં પીવાના પાણી માટે તકરારો તેમજ રજૂઆતો કરી છે પણ તેમ છતાં તેમની સમસ્યાનું નિરાકરણ નહિ આવતા આખરે તેમને પાલિકા તંત્ર સામે વિરોધ દર્શાવો પડી રહ્યો છે. નોંધનીય છે કે પાણીની લાઈન નાખવા માટે ખાડા પણ ખોદવામાં આવ્યા છે, હાલ લોકસભાની ચૂંટણીને લઈ આદર્શ આચાર સંહિતા લાગુ છે ત્યારે કામગીરી અટકતા રહીશોને મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી છે.